શિક્ષણ ની જ્યોતી 

*અનુપમ* ખેર પૂનાની ફિલ્મ ઈન્સ્ટિટયૂટમાં ઠરીઠામ થયા પછી નવું એડમિશન લેનારા વિદ્યાર્થીને જ્યારે કહેશે કે તારે અહીંના આર્કાઈવ્ઝમાંથી રોજની એક ફિલ્મ જોવાની છે ત્યારે પેલો ઉત્સાહી વિદ્યાર્થી એમને કહે કેઃ સર, હું તો અહીં એકટિંગ શીખવા આવ્યો છું, ફિલ્મ જોવામાં સમય શું કામ બગાડું? તો એ વખતે અનુપમ ખેરના રિએક્શન કેવા હોવાના?

નવોદિત લેખકો માર્ગદર્શન માટે મળે અને એમને પૂછવામાં આવે કે શું શું વાંચ્યું છે ત્યારે જવાબ મળેઃ મને વાંચવાનો નહીં, લખવાનો શોખ છે! તો તમે એને ઊંચકીને સાતમા માળની બાલ્કનીમાંથી નીચે ફેંકીને સાહિત્યની સેવા કરી શકો છો.

શિક્ષકની ફરજ ભણાવવાની નહીં, ભણવાની છે. કોઈપણ શિક્ષકની પરમ અને પ્રથમ જવાબદારી ભણવાની છે, રોજેરોજ ભણતા રહેવાની છે. દિવસ-રાત શીખ્યા કરતા શિક્ષકને, તમારે કેવી રીતે ભણાવવું જોઈએ એવું શીખવાની જરૂર જ નહીં પડે, એનામાં આપોઆપ એ સૂઝ ખીલતી જશે કે કેવી રીતે ભણાવવાનું છે.

જે બાબતનો અનુભવ છે તે ક્ષેત્રની વાત પહેલાં કરીએ. પત્રકારત્વનું શિક્ષણ હવે વ્યાપક બનતું જાય છે. મીડિયાના વિસ્ફોટને કારણે દેશભરમાં અઢળક સ્કૂલ ઓફ જર્નલિઝમ ખુલી ગઈ છે. પત્રકારત્વનું શિક્ષણ આપનારા શિક્ષકો બે પ્રકારના હોય છેઃ એક, જેમની પાસે ટેક્સ્ટબુકિયું જ્ઞાાન છે જેઓ પાંચ ડબ્લ્યુઝ (હું , વ્હેર, વ્હોટ અને વ્હેન, વ્હાયઃ કોણ, ક્યાં, શા માટે, શું અને ક્યારે) વત્તા એક હાઉ (કેવી રીતે)ની ગોખણપટ્ટી કરીને રોજ ૪૫ મિનિટના ક્લાસમાં ઉગતા પત્રકારોમાં પાઠયપુસ્તકોના પાનાંઓની ફોટોકોપીઝ વહેંચતા ફરે છે અને બીજા પ્રકારના શિક્ષકો, જેઓ સતત પોતાના ક્ષેત્રમાં પ્રવૃત્તિશીલ હોય એવા પત્રકારો, પોતાના અનુભવોનો નીચોડ રોજ અઠવાડિયામાં બે જ વાર આવીને પોતાના ક્લાસમાં રજૂ કરતા હોય છે.

આ બંનેમાંથી કોની પાસે સાચું શિક્ષણ મળવાનું? સ્વાભાવિક છે જેની પાસે ફર્સ્ટ હેન્ડ અનુભવ છે એની પાસેથી. પેલા પાંચ ડબ્લ્યુ અને એક એચવાળાં તારણો એના અનુભવમાંથી એની મેળે ટપકવાના.

જે શિક્ષક એમ માને છે કે મારી પહેલી જવાબદારી વિદ્યાર્થીઓને ભણાવવાની છે એ અનુપમ ખેરને મળનારા કાલ્પનિક સ્ટુડન્ટ જેવો છે, સાતમા માળેથી ફેંકી દેવાયેલા નવોદિત લેખક જેવો છે. સાચો શિક્ષક એ છે જે ગુરુના આસન પર નહીં, વિદ્યાર્થીની પાટલી પર બેઠેલો હોય, રોજેરોજ.

સતત નવું નવું શીખતા રહેતા શિક્ષક પાસેથી એના વિદ્યાર્થીઓને જીવનની બે સૌથી મહત્ત્વની વાતો પ્રાપ્ત થાય છે કારણ કે શિક્ષકને પોતાને આવું કરવાથી, સતત શીખ્યા કરવાથી, એના ખજાનામાં પાંચ સુવર્ણમુદ્રાઓ ઉમેરાતી હોય છે.

વિદ્યાર્થીઓને શું મળે છે એની વાત કરતાં પહેલાં શિક્ષક જે પામે છે એ પાંચ સોનાના સિક્કાઓ ગણીએ.

૧. શિક્ષક જ્યારે પોતાનું બધું જ ધ્યાન, પોતાની તમામ એનર્જી શીખવવાને બદલે શીખવા પર કેન્દ્રિત કરે છે ત્યારે સૌથી પહેલો ફાયદો એને એ થાય છે કે એનું મન બંધિયાર થઈ જવામાંથી ઉગરી જાય છે, શિક્ષક વાસી નથી થઈ જતો. રોજ ભણતા રહેતા શિક્ષકનું વ્યક્તિત્વ તમે જોયું હશે. એ ખળખળ વહેતાં ઝરણાં જેવો હોય છે. એવા શિક્ષકનું દિમાગ હંમેશાં ખુલ્લું રહે છે અને એના મનની ઉઘાડી બારીમાંથી પ્રવેશતા હવા-ઉજાસને ચોવીસે કલાક ઉજાળતા રહે છે.

જેને શીખવું છે એના માટે આ દુનિયા અસીમ છે. જેના માટે શીખવવું જ સર્વસ્વ છે એની દુનિયા ટેકસ્ટબુકના છેલ્લાં પાનાં સાથે પૂરી થઈ જતી હોય છે.

૨. શીખવાની હોંશ ધરાવતા શિક્ષકની નજર હંમેશાં આવતી કાલ તરફની હોવાની. એનું વિઝન વિશાળ રહેવાનું. શીખવવામાંથી ઊંચો ન આવતો શિક્ષક ગઈ કાલમાં રહેવાનો. એ હંમેશાં પાછળ જોઈને, જે ઓલરેડી વારંવાર ભણાવાઈ ચૂક્યું છે, તેના પર નજર રાખીને પોતાની દ્રષ્ટિ ટૂંકાવી દેવાનો. દીર્ઘદ્રષ્ટિવાળો શિક્ષક હંમેશાં શીખતો રહેતો હોય છે.

૩. કવિતા હોય, ઈતિહાસ હોય કે પછી કોઈપણ વિષય, દરેક સબ્જેકટમાં સતત નવાં નવાં અર્થઘટનો થવાં જોઈએ. ગઈ કાલે જે રીતે તમે એને ઈન્ટરપ્રીટ કરતા હતા તેનાં વિશ્લેષણો સ્થળ-કાળ-સંજોગો બદલાય છે ત્યારે બદલાઈ ચૂક્યાં હોય છે. જો તમે શીખવાનું બંધ કરી દેશો તો એ જૂનાં અર્થઘટનોને જ વળગી રહેશો, તમારી પ્રગતિ અટકી જશે અને એને કારણે તમારા વિદ્યાર્થીઓની પ્રગતિ પણ અટકી જશે.

૪. આજની નવી પેઢી સાથે તમારું ટયુનિંગ થતું રહે તે માટે તમારે આજના જમાનાને રિલેવન્ટ રહેવું પડે, આઉટડેટેડ થતાં બચવું પડે. શીખતાં રહેવાનું જો એક માટે પણ મુલત્વી રહ્યું હોય તો તમે પાછળ ફેંકાઈ જવાના, સતત બદલાતી રહેતી દુનિયાનાં ઈનોવેશન્સ તમે ચૂકી જવાના. રોજેરોજ કંઈ ને કંઈ નવું શીખતા રહો છો ત્યારે જ તમે રિલેવન્ટ બની રહો છો અને તો જ તમારે જે શીખવવાનું છે તે વિદ્યાર્થીઓ સુધી સાહજિક રીતે, કોઈ અભ્યાસ વિના, સડસડાટ પહોંચતું રહે છે.

૫. જે શીખતો રહે છે તે જ શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને ભૂમિતિના પ્રમેયો નહીં પણ જિંદગીના સરવાળા બાદબાકી શીખવાડે, ઈતિહાસ નહીં પણ જીવનમાં થતી ભૂલોને સુધારી લેતાં અને જીવનમાં સર્જાયેલા ગૌરવભર્યા પ્રસંગોનો આદર કરતાં શીખવાડે છે. વિદ્યાર્થીને સાયન્સ નહીં પણ વ્યક્તિત્વને ચુંબકીય બનાવતાં અને કોઈના જીવનમાં ઉદ્ીપક થતાં શીખવાડે છે. જે ભણાવાય છે તે કંઈ બધું જ યથાવત્ જીવનમાં ઉપયોગી થવાનું નથી, કારકિર્દી ઘડવા માટે પણ ટેકસ્ટબુકની બધેબધી વાતો ઉપયોગમાં આવવાની નથી. પણ જે વાતોને શિક્ષક પોતાનામાં રહેલી તાજગીને કારણે સર્જાયેલી ચાસણીમાં ડુબાડી ડુબાડીને પીરસતો રહે છે તેની વાતો વિદ્યાર્થી ક્યારેય ભૂલતો નથી. ભણીગણીને એન્જિનિયર બનેલો વિદ્યાર્થી ઈતિહાસના એ શિક્ષકની વાતો આજીવન યાદ રાખવાનો છે. વકીલ બનતો વિદ્યાર્થી સાયન્સના એ શિક્ષકની વાતો યાદ રાખવાનો છે. ગુજરાતી સાહિત્યના અધ્યાપનકાર્યમાં ઝંપલાવનારને ગણિતના શિક્ષકની વાતો યાદ રહેવાની છે. સતત શીખવાની પેશન જે શિક્ષકમાં છે તેને ખબર હોય છે કે પોતે જે વિષય શીખવે છે તેના કરતાં દુનિયા ઘણી વિશાળ છે. પોતે જે વિષયની તૈયારી વિદ્યાર્થીઓ પાસે કરાવે છે તેનો સિલેબસ અધૂરો પણ રહી ગયો અને વિદ્યાર્થીઓને આઈ.એમ.પી. અને વેરી આઈ.એમ.પી. ટોપિક્સ ટિક કરાવવાનું રહી પણ ગયું તોય એ વિદ્યાર્થીના જીવનનું રિઝલ્ટ હંમેશાં ઉત્કૃષ્ટ જ રહેવાનું.

શિક્ષક જ્યારે આ પાંચ સુવર્ણમુદ્રાઓ પામે છે ત્યારે વિદ્યાર્થીને એના જીવનની જે બે સૌથી મહત્ત્વની બાબતો પ્રાપ્ત થાય છે તેમાંની પહેલી એ કે વિદ્યાર્થી સમજતો થાય છે કે જિંદગીમાં મેરિટ લિસ્ટમાં નામ આવે તેનું મહત્ત્વ નથી પણ જિંદગીમાં, તમારા વ્યક્તિત્વમાં કેટલી મેરિટ્સ ઉમેરાય છે, કેટલાં ગુણો તમારામાં ખીલે છે એનું મહત્ત્વ છે. આ જિંદગી કોઈ રેસ નથી. અહીં ઓલિમ્પિકની દોડમાં જેમ સુવર્ણ, રજત અને કાંસ્ય ચંદ્રક નથી મેળવવાના. અહીં બીજાઓ કરતાં આગળ નથી નીકળવવાનું, પોતે ગઈકાલે જ્યાં હતા ત્યાંથી આજે આગળ વધવાનું છે અને આજે જયાં છીએ ત્યાંથી આવતીકાલે આગળ જવાનું છે. કોઈનેય પાડયા વિના, નડયા વિના, પોતે જ પોતાની સાથે રેસ લગાવવાની છે. સતત શીખ્યા કરતાં શિક્ષકો પાસે ભણેલા વિદ્યાર્થીઓ ભણવાનું પૂરું કરી લીધા પછી પણ આખી જિંદગી ભણતા જ રહેવાના છે, શીખતા જ રહેવાના છે અને એટલે જ સદાને માટે વધુ ને વધુ યુવાન બન્યા કરવાના છે. શારીરિક ઉંમર વધવાની સાથે એમનો તરવરાટ, એમનો ઉમંગ વધતો જાય છે. ૨૫ વર્ષ એમને જીવવાનો જે થનગનાટ હતો તે ૩૫ વર્ષે બેવડાઈ ગયેલો હોય છે. ૪૫ વર્ષે એમની આંખોમાં જેટલાં કૌતુકો, વિસ્મયો અને આૃર્ય ચિહ્નો હતાં તેનાં કરતાં કંઈક ગણા અધિક ૫૫ વર્ષે હોય છે.

શીખતાં રહેવાનું મહત્ત્વ જે વિદ્યાર્થી પોતાના શિક્ષકો પાસેથી પામે છે. એ વિદ્યાર્થી કોઈપણ ક્ષેત્રમાં ભવિષ્યમાં કારકિર્દી બનાવે, એને જિંદગીમાં બીજી મહત્ત્વની વાત જે પ્રાપ્ત થાય છે તે છે શિક્ષકને મળેલી પેલી પાંચેપાંચ સુવર્ણમુદ્રાઓ. શિક્ષકને તો મળેલી જ છે એ સુવર્ણમુદ્રાઓ, વિદ્યાર્થીને પોતાને પણ પ્રાપ્ત થાય છે જે એ પોતાનાં સંતાનોને ઉછેર દરમ્યાન આપે છે, વારસામાં આપે છે.

સતત શિખ્યા કરતાં શિક્ષક માટે શિક્ષણકાર્ય ક્યારે બોજ નથી, એ હંમેશાં હળવોફુલ રહે છે, એનું જીવન તાણમુક્ત રહે છે અને આવા શિક્ષકોના હાથ નીચે ભણેલા વિદ્યાર્થીઓ પણ આજીવન ટેન્શન ફ્રી રહીને પોતાને અને પોતાની આસપાસના સૌ કોઈને નવું નવું શીખવતા રહીને જિંદગીના છેલ્લાં શ્વાસ સુધી તાજામાજા રહેતા હોય છે. 

Advertisements

સ્માર્ટ ફોન ની વાર્તા 

ઘણી નવી ટેક્નોલોજી આવી, ત્યારે એવી આશંકા વ્યક્ત થતી રહી છે કે તેનાથી માણસજાત ફોગટિયા ટાઇમપાસમાં ડૂબી જશે અને તેની વિચારશક્તિમાં ઘટાડો થતાં સરવાળે તે ડફોળ બનશે.  ઉદાહરણ તરીકે, રેડિયો, ટેપ રેકોર્ડર, ટીવી, વિડીયો, ઇન્ટરનેટ વગેરે.

જોવા જેવી વાત એ પણ છે કે આવાં સંશોધનની સાથે (ડફોળપણાની જેમ) મહાન ક્રાંતિની આગાહીઓ પણ થઈ હતી. રેડિયો, ટેપ રેકોર્ડર, ટીવી, વિડીયો અને છેલ્લે ઇન્ટરનેટથી શિક્ષણક્ષેત્રે કેવું પરિવર્તન આવશે તેના વરતારા નીકળ્યા હતા. થોડાં વર્ષ પહેલાં, મોટે ભાગે ‘ટાઇમ’ (કે ‘ન્યૂઝવીક’)  સાપ્તાહિકમાં એવો લેખ વાંચ્યાનું યાદ છે કે ટૂંક સમયમાં અમેરિકાની શિક્ષણ વ્યવસ્થામાં ‘ફ્લિપ્ડ ક્લાસરૂમ’ આવી જશે. એટલે કે, વિદ્યાર્થીઓ અગાઉથી નક્કી થયેલા મુદ્દા વિશે ઘરેથી (યૂટ્યૂબ જેવી વેબસાઇટ પર) વિડીયો સમજૂતી જોઈને ક્લાસમાં આવશે. પછી ક્લાસમાં શિક્ષક તેમને ફક્ત એ જ શીખવશે, જે વિદ્યાર્થીઓને સમજાયું ન હોય. આમ, શિક્ષણના આખા ખ્યાલનું શીર્ષાસન થશે.

પરંતુ હજુ સુધી આવી ક્રાંતિ આવી હોય એવું જાણમાં નથી. ‘ખાન્સ એકેડેમી’ જેવી કેટલીક વેબસાઇટો પર સેંકડો શિક્ષણ વિષયક વિડીયો મોજૂદ છે. તેની લોકપ્રિયતા અને અસરકારકતા ખાસ્સી છે. ‘માઇક્રોસોફ્ટ’ સહિતની મોટી કંપનીઓનો તેને ટેકો છે. છતાં, હજુ પરંપરાગત સ્કૂલ અને શિક્ષણનું સ્થાન તે લઈ શકી નથી. (ગુજરાતની ખાનગી નિશાળોમાં ‘સ્માર્ટ ક્લાસ’ના નામે વધારાના રૂપિયા ખંખેરવાનું અને બદલામાં કમ્પ્યૂટર પર સાવ પ્રાથમિક કક્ષાનું કંઇક બતાવી દેવાની વેપારી તરકીબ વળી બીજો મુદ્દો છે.)

ઉપર જણાવેલી ઘણી શોધોથી વ્યાપક પરિવર્તન ચોક્કસ આવ્યું, પરંતુ ઇન્ટરનેટથી સજ્જ સ્માર્ટ ફોનથી પહેલી વાર વ્યાપક સ્તરે ક્રાંતિ જેવો માહોલ ઊભો થયો છે. ત્યારે વિરોધાભાસી હકીકત એ પણ છે કે માણસની વિચારશક્તિ ઘટી રહી હોવાનો–સાદા શબ્દોમાં કહીએ તો, તેની ડફોળાઈમાં વધારો કરવાનો– આરોપ બીજી કોઈ પણ શોધ કરતાં વધારે સ્માર્ટ ફોન પર મુકાઈ રહ્યો છે.

રેડિયો-ટીવી જેવી શોધોને સામાન્ય લોકો સુધી પહોંચતાં ઘણો સમય લાગ્યો. વિડીયો કેસેટ પ્લેયર જેવી શોધ એટલો સમય લઈને લોકો સુધી પહોંચે તે પહેલાં જ તે ટેક્નોલોજી લુપ્ત થઈ.  પરંતુ મોબાઈલ ફોનમાં કમ્પ્યૂટરની ક્ષમતા અને ઇન્ટરનેટનો મેળાપ થવાથી સ્માર્ટ ફોન નામની જે ચીજ પેદા થઈ, તેની શક્તિઓ જાદુઈ હતી. (આ બાબતમાં ‘જાદુઈ’ અને ‘રાક્ષસી’ વચ્ચેની ભેદરેખા બહુ પાતળી હોય છે.) ભારતના વિશાળ બજારમાં સ્માર્ટ ફોન અને હવે ડેટા એટલાં સસ્તાં છે કે સામાન્ય સ્થિતિ ધરાવતા લોકો પાસે પણ તે જોવા મળે છે. કોઈ શોધ આટલી ઝડપથી છેક છેવાડાના માણસ સુધી પહોંચે તેનો આનંદ જ હોય, પણ એક સવાલ પ્રાથમિકતાનો હતોઃ છેવાડાના માણસની પ્રાથમિકતામાં સ્માર્ટ ફોન આવે? સ્માર્ટ ફોનથી તેના જીવનધોરણ કે રોજગારીની તકોમાં શો નક્કર ફરક પડ્યો? બીજો સવાલ અસરોનો હતો: સ્માર્ટ ફોન અને તેની સાથે સંકળાયેલી સોશિયલ નેટવર્કિંગથી માંડીને બીજી ટાઇમપાસ બલાઓની સામાજિક અસરોનો કંઈક અંદાજ આવે, તે પહેલાં તો  તેમનો મોટા પાયે પ્રચારપ્રસાર થઈ ચૂક્યો હતો-બાટલીમાંથી જીન બહાર નીકળી ચૂક્યો હતો.

‘શું ગરીબોને મોંઘા સ્માર્ટ ફોન વસાવવાનો ને તેની પર ગેમો રમી ખાવાનો કે વોટ્સએપ પર ટાઇમ પાસ કરીને મનોરંજન મેળવવાનો અધિકાર નથી?’–એવો અવળો વળ ચઢાવવાને બદલે, એ રીતે વિચારવું પડે કે સામાન્ય લોકોની આર્થિક, સામાજિક અને રોજગારીને લગતી કેટલી પ્રાથમિકતાઓ પર સ્માર્ટ ફોને તરાપ મારી છે? કામધંધો કરવાની ઉંમરે ઓટલે બેસી રહેનારા પહેલાંના જમાનાના નવરાઓ કૂકીઓ કે બાજી રમતા હતા. હવે એ સ્માર્ટ ફોન પર ફક્ત બાજી–ગેમ રમીને બેસી નથી રહેતા. વોટ્સએપ ને બીજી કેટલીક એવી ટાઇમપાસ ચીજો વાપરીને કશા સત્ત્વ વગરનું મનોરંજન મેળવે છે. પણ એનો સ્રોત સ્માર્ટ ફોન છે. એટલે લોકોને એવી છાપ પડે છે કે ‘જોયું? આ લોકો આમ બેકાર છે, પણ તેમને કેટલું બધું આવડે છે? કેવા સ્માર્ટ ફોન મચેડે છે?’ ઘણાં માતાપિતા પોતાનાં બાળકોને ફટાફટ સ્માર્ટ ફોન વાપરતાં જોઈને અેવાં અંજાઈ જાય છે, જાણે એડિસન ને ટેસ્લા જેવા મહાન સંશોધકો પછી હવે તેમનો મોબાઈલ-મચડુ ચિરંજીવી એ હરોળમાં નામ કાઢવાનો હોય.

સ્માર્ટ ફોનની સૌથી મોટી એક મુશ્કેલી આ છેઃ એ ડફોળ બનાવતો નથી (કમ સે કમ, પ્રમાણભૂત અભ્યાસોમાં તો એવાં તારણ ખાતરીપૂર્વક મળ્યાં નથી) પણ તેને વાપરતા ઘણા લોકો ‘સ્માર્ટ’ હોવાનો ભ્રમ તેનાથી ઊભો થાય છે. નિકટ તપાસ પછી એ ભ્રમની અસલિયત ખબર પડે છે, ત્યારે પ્રત્યાઘાત તરીકે એવું માનવાનું મન થાય છે કે ‘નક્કી, સ્માર્ટ ફોને જ આની વિચારશક્તિ હણીને તેને ડફોળ બનાવ્યો (કે બનાવી) લાગે છે.’
આટલું ઓછું હોય તેમ, સત્તાધારી ને વિરોધી પક્ષો પણ એવો ભ્રમ ફેલાવે છે કે યુવાનોને સ્માર્ટ ફોન પકડાવી દઈશું એટલે તેમની રોજગારીથી માંડીને બીજી અનેક સમસ્યાઓનો અંત આવી જશે. પ્રશ્ન સ્માર્ટ ફોનમાં રહેલી શક્યતાઓનો નથી. એ તો અપાર હોઈ શકે, પણ એ શક્યતાઓનો કસ કાઢવા જેટલી વિચારશક્તિ કે મૌલિકતા કેટલા લોકો પાસે હોવાની? અને આવી વિચારશક્તિ ખીલે, એવું શિક્ષણ પણ કેટલા લોકો પાસે હોવાનું?

ઝીણવટભર્યો નહીં તો પણ, અછડતો અંદાજ મેળવવા માટે વિચારી જુઓ: તમે સ્માર્ટ ફોન ધરાવતા કેટલા લોકોને તેની પર ગેમ, વોટ્સએપ-ફેસબુક, પાઇરેટેડ ફિલ્મો, સટરપટર વિડીયો સિવાયની બીજી કોઈ બાબત સાથે ગૂંથાયેલા જોયા? કેટલા લોકોને તમે સ્માર્ટ ફોન પર કંઇક ફોરવર્ડિયું રાજકીય, ધાર્મિક કે બીજા પ્રકારનું અનિષ્ટ ન હોય એવું, સાત્ત્વિક ને જ્ઞાનવર્ધક વાચન કરતા જોયા? કેટલા લોકોને સ્માર્ટ ફોનની પ્રચંડ ક્ષમતાનો કસ કાઢતા કે તેનો એ રીતે ઉપયોગ કરતા જોયા? વોટ્સએપ પર ડીઝાઈન કે સેમ્પલ કે બિલ મોકલવાં, એ પ્રકારનો ઉપયોગ એ સુવિધા છે, પણ તેમાં કશી વધારાની સ્માર્ટનેસ નથી. ભારત સાથે સંકળાયેલા ને વધુ પડતા ચગાવાયેલા ‘જુગાડ’નો જ તે એક પ્રકાર છે. તેમાં ખોટું કશું નથી, તેમ કોલર ઊંચા કરવા જેવું પણ કશું નથી. માનસિકતા જૂનવાણી રહે ને શિક્ષણ પછાત, ત્યારે સ્માર્ટ ફોનના ઉપયોગ કરતાં દુરુપયોગની સંભાવના ઘણી વધી જાય છે (જેનો આપણને પૂરતો અનુભવ છે)

સ્માર્ટ એટલે કેવું?  વિચારશક્તિ ઉત્તેજે એવું? કે મગજનો ઓછામાં ઓછો ઉપયોગ કરવા દે એવું? આ સવાલનો તમારો જવાબ શો છે? તેના આધારે  સ્માર્ટ ફોનના વાપરનારને ‘સ્માર્ટ’ ગણવા કે નહીં, તે નક્કી કરી શકાય. 

વિજોગ 

“સુમી…. સુમી તું આવીશ ને…? આવજે જ હો.. હું વાટ જોઈશ… વે’લી આવજે.. ” રવજીનો અવાજ તરડાયો… આંસુ એના શબ્દો પર હાવી થઈ રહ્યા હતાં. સુમીના આંસુ સુકાઈ ગયાં હતાં. રડી રડીને આંખો સૂજી ગઈ હતી. ડિલ આવી પડનારા વિયોગના વિચારમાં કળતર થતું હતું. રવજી જાણતો હતો કે સુમી…એની સુમિત્રા પાછી નહીં આવે…તો ય એ નાના બાળકની જેમ વારે વારે એક જ વાત કહ્યે જતો હતો..-“સુમી તું આવજે હો..” ખખડધજ બસ ધીમી ચાલે આવીને ઊભી રહી..પરાણે જાતને ઘસડી સુમી બસમાં બેઠી. રવજી સુમીને જતી ન જોઈ શક્યો…બસ ઉપડતા જ એ ઉતાવળે નદી તરફ ચાલ્યો…સંદેશાવ્યવહારમાં પખવાડિયે એકવાર આવતો ટપાલી અને વાહનોમાં દિવસની બે બસ આવતી. એ વખતે બાળકો પારણિયે ઝૂલતા હોય ત્યારે સગપણ નક્કી થતાં. પછી તો સુધારાની હવા લાગી, એવા સગપણો ફોક થવા માંડ્યા અને બાળવિવાહ બંધ થયા…કરશન પટેલે પોતાની દીકરી સુમીનુ સગપણ ધના પટેલના દીકરા રવજી હારે નક્કી કરેલું. બે વરસનો રવજી અને પોણા ત્રણ મહિનાની સુમી. કરશન પટેલ અને ધના પટેલ ને સગાં ભાઇઓ જેવું હેત.. સંબંધોમાં બેઉ પક્ષે એટલી જ મીઠાશ. વીસ વરસ વીતી ગયાં…ધના પટેલનાં પત્ની દેવ થઈ ગયા હતાં. રવજી ખડતલ યુવાન બની ગયો હતો..સૂરજના તાપ અને માટીની સોડમથી ઘડાયેલો ને કસાયેલો એ ખેડુ સાતી હાકતો ત્યારે ભારે શોભતો.મંગળ દિવસ જોવરાવી કરશન પટેલે દીકરી વળાવી. છેક માંડવે જઈને રવજીને સુ મીના દર્શન થયાં હતાં. લાંબા કાળા ભમ્મર કેશ, નિર્દોષ અણિયાળી આંખો અને કમનીય દેહલાલિત્ય એના બેવડા ઘૂમટા માંથી યે છલકાઈ આવ્યાં હતાં. અઢાર વરસની સુમી સાસરે આવી…પણ સમજણ કોઈ ગલઢેરાને ય આંબી જાય એવી. આવતા વેંત સુમીએ ખોરડું નવેસરથી શણગાર્યુ, છાણ-વાસીદા અને ઢોર-ઢાંખર ના કામ પોતે માથે લઈ લીધા…હેલ્ય સીચી લાવવી હોય કે મહેમાનો સાચવવાના હોય…સુમીને બધાં કામની જબરી ફાવટ… અને બપોર થતાં જાતે ભાત લઈ વાડીએ જતી અને રવજીને તાણ કરી જમાડતી… રવજી પણ બપોર પહેલાથી જ રસ્તે મીટ માંડી રહેતો…થોડા જ વખતમાં સુમી અને રવજીના મનનો એવો મેળ મળી ગયેલો કે એકબીજાનાં મનની વાત વાંચી શકતાં… સુમીની સહિયરો સુમીને ખીજવતી કે બાઈ તું તો નવી નવાઈની આવી હો…આવી જોડલી તો આપણા ગામમાં પે’લી જોઈ. ખૂબ સુખેથી સંસારની ગાડી ચાલતી હતી.

રવજીના લગ્નને હથેળીમાં સ્વર્ગ ઉતરી આવ્યું હોય એવા સુખ ચેનથી બે વરસ વીતી ગયાં. રૂપીને ઓગણીસમું વરસ ઉતર્યુ. ધના પટેલે વેવાઈને કહેણ મોકલ્યું..કરશન પટેલ આવીને લગ્નનો દિવસ અને તિથિ નક્કી કરી ગયાં. બંને ઘરોમાં તડામાર તૈયારી શરૂ થઈ ગઈ. સુમી તો બેવડા ઉત્સાહથી કામે લાગી ગઈ હતી. ભાઈને પરણાવવાની હોંશ કઈ બહેનને ન હોય.. લગ્ન નો દિવસ આવી પહોચ્યો.. શણગારેલા ગાડા માં ધામધૂમથી શામજીની જાન આવી. ગોર મહારાજની આજ્ઞા થતાં શામજી અણવર સાથે માંડવામાં આવ્યો. એના આવતાંની સાથે જ આખા માહોલમાં સોપો પડી ગયો. માંડવીયાઓના મોં પર મેશ ઢોળાઈ ગઈ. બધા એકબીજાને તાકી રહ્યા. શામજી થોડો નીચો, વાને સીસમ જેવો અને એના પર વળી શીળીના ચાઠા પડેલાં. આવા કદરૂપા અને બીકાળવા ને રૂપી કેમ પરણાવાય…? ધના પટેલ વાત પામી ગયાં.રવજી ય ઘા ખાઈ ગયો. પણ હવે જાન આંગણે આવ્યા પછી કોઈ આરો નહોતો..પાછો આ તો વર્ષો જૂનો સંબંધ…શું કહેવું…? અને કોને કહેવું…? અને સુમીવહુ…એની લાગણીનું ય ધ્યાન રાખવું ઘટે..ભારે થઈ.. દીકરીનુ જીવતર શે નીકળશે…? થાય તે ખરી..સુભાષિશો લઈને રૂપી સાસરે ચાલી. ઘૂમટામાથી એને એના પતિનું મોં ખાસ કળાયુ નહોતું.

દોઢેક મહિનો વીતી ગયો. રૂપી માવતરે આંટો આવી. ચાર દિવસ પછી શામજી તેડવા આવ્યો…રૂપીએ ઘસીને ના પાડી કે હું કોઈ વાતેય નહીં આવું. ધનાપટેલ પણ દીકરીના આંસુ સામે લાચાર થઈ રહ્યા. પણ સુમી અને રવજી ઉપર જાણે વીજળી તૂટી પડી. કારણ કે પંચના નિયમ પ્રમાણે જો રૂપી સાસરે જવા રાજી ન હોય તો સુમી પણ સાસરે ન રહી શકે. એણે રૂપીને સમજાવી પણ રૂપીએ કહ્યું “બુન બધી વાત હાચી, ઈ ભગવાનનું માણહ છે.. પણ ઈને જોઈને હું છળી મરું છું.. ધણી હાટુ માન હોવું જોઈ ઈ મારા મનમાં કોઈ’દિ નંઈ ઉગે ને એનું ર જીવતર ધૂળ થાશે..તમને આય રે’વામા કોણ રોકે છે…? પણ મને પરાણે મોકલશો મા.” વાત ત્યાં જ પતી ગઈ હતી.

અઠવાડિયું વીત્યું હશે ત્યાં ધના પટેલ અને રવજી ને પંચાયત નું તેડું આવ્યું અને સુમીને કાયમ માટે એના માવતરે મૂકી આવવાનો હુકમ થયો. રવજીએ પંચને કાકલૂદી કરી “તમે બાપ સમા થઈને મારો સંસાર વીખવા કાં બેઠાં…? મારે રાંકને માંડ સારા બે ‘દિ આવ્યા એમાં આ જીંદગીભર નો ઝૂરાપો નાંખો મા…મારો માળો વીખો મા..” પણ “આજ રવજીનું રાખીએ તો કાલ બીજું ય કોઈ એનું રોણુ ગાય… તો તો નિયમનું કાંઈ મા’તમ નંઈ…” એમ કહી પંચાયત વીખરાઈ.. રવજી ને સુમી વગર જીવવાની કલ્પના ય ઝેર લાગવા માંડી. ઘરમાંથી જાણે રામ ઊઠી ગયા ને નિષ્પ્રાણ ભીંતો વધી.. સુમી અંતરમાં કેટલું રડી હશે એ તો એ જ જાણે… બીજે જ દિવસે સુમી કપડાંની બચકી બાંધીને તૈયાર થઈ. રૂપી નાના બાળકની જેમ એને વળગીને ચોધાર રોઈ પડી. ધના પટેલને પગે લાગતાં સુમી છૂટા મોં એ રડી પડી. ધના પટેલનું હૈયું ભરાઈ આવ્યું-કાંઈ બોલી ન શકયા. રવજી એને બસ સુધી મૂકવા ગયો….

બસ ઉપડતા જ એ ઉતાવળે નદી તરફ ચાલ્યો…છીપર પર બેસીને ખૂબ રડ્યો જેમ રડતો ગયો એમ સુમીના સ્મરણોની ભીંસ વધવા લાગી..સાંજ ના રંગો રેલાવા માંડ્યા..નદીનો પટ ચીસો પાડીને બોલાવતાં હોય એમ લાગ્યું..નદીમાં લોઢ દેખાવા માંડ્યા અને એ હાથ લંબાવી રવજીને બોલાવતા હતાં.. રવજી અભાનપણે નદીના પાણીમાં ચાલ્યો..”હેં સુમી..તું આવીશ ને…?? હા.. હું બોલાવું ને તું આવે જ ને..કાં…?? નો આવ..? લે હું તને તેડી જાઉં…?? તો તું આવીશ ને..? આવજે જ હો.. હું રોજ વાડીએ વાટ જોઈશ..ભલી થઈશે ભાત આવજે..આવજે જ…” ઉંડાણ માં પડતો- આખડતો વળી ઊભો થતો-પાણીમાં ચાલતો ગયો…ચાલતો ગયો… રેલાતા રંગોની સાંજે હજુ ય નદીનો પટ ક્યારેક પડઘા પાડે છે..”સુમી..તું આવજે હો..”

હેત ની હેલી વર્ષી રે !! 

યોગીતા તૈયાર થઈ. સૂટકેશમાં કપડાં ભર્યા. આ ચણીયા ચોળી પણ લઈ લઉ પિયરમાં પણ પેરીને બતાવીશ મારી બેનપણીઓને. બધાને એમ લાગશે મારો વર મને કેવા કેવા શોખ પુરા કરાવે છે. યુવરાજ જાન લઈને 25 માણસોને જ લાવ્યો હતો ત્યારે તો ગામ માં બધાએ અરેરાટી કરી હતી. અરે પેલી જમના ડોશીએ તો કેવી કટાક્ષ કરી હતી…..

” આ લખમણને તો ભાઈ લખમણ જેવો જ પૈસા વાળો જમાઈ મળ્યો શે.”
અને મેં આવીને યુવરાજ ને સુખ દુઃખ માં બધે સાથ આપ્યો પણ મને શું મળ્યું? પરણીને આવી ત્યારે કેટલા સપના જોયા’તા…..!

એ બધા સપના તો કાચ જેમ ટૂટી ગયા. પણ મેં કદી કોઈને કહ્યું? ના તે સ્ત્રી ને કેવાનું પણ ના જ હોય ને…..! એને તો બસ પતિ માટે બાળકો માટે જીવવાનું હોય ને હું પણ મારું દુઃખ પી ગઈ. ગામડે બોર(ટ્યુબવેલ)ફેલ ગયો પાણી નીચે ઉતરી ગયા ખેતીમાંય શુ મળે પછી તો….

ને એવામાં યુવરાજના બાપુ પણ ગુજરી ગયા. સમાજ વાળા તો બાર દિવસ ખાઈને ચાલતા થયા પણ અમારે શુ વધ્યું? બોર પણ ફેલ ગયો ને કાઈ વધ્યું નઈ. યુવરાજ તો સાવ ભાંગી પડ્યો હતો. મેં એને કેટલો સાથ આપીને ઘડ્યો. અહીં સુરતમાં રેડીમેડની દુકાન કરી ને ઉપર વાળાની દયા થી જામીએ ગઈ. પછી તો એક ની બે દુકાન કરીને આજે તો મોટો ‘યુવરાજ ફેશન સો રુમ” નો મલિક પણ બની ગયો. આ ઘર પણ લીધું. પણ એમાં હું ક્યાં?

ના જરાય એ મને હકદાર સમજતો નથી. રોજ ભાઈબંધો હારે ફરવા જાય પણ કદી મને ક્યાંય લઇ ગયો? ને મારે તો જાવુય નથી રખડવા પણ એને એમ તો થવું જોઈએને કે આ બધા ભાઈબંધ તો પૈસા આવ્યા પછી થયા છે. તે’દી તો એને કોઈ નતું બોલાવતું. કોઈ દી તો મને એમ કે યોગીતા મારા દુઃખ માં તે મને સાચવ્યો એટલે હવે આપણા સુખના દિવસ છે. મેં તો લોકોના કાપડાય ધોયા, કામેય ગઈ, ખાખરાય વણ્યા , ત્યારે તો આ દિવસ આવ્યો ને …..!

હું ભણેલી હતી ને તોય બાપુએ મને યુવરાજ થી પરણાવી પણ મેં કદી કીધું ? ના મારા નસીબમાં જે હતું એ મેં તો સ્વીકારી લીધું અને હરખભેર આ માળો ગુંથ્યો……

મંથન પેટે હતો ત્યારે એક જ બીક હતી જો નોર્મલ ડિલિવરી નઈ થઈ તો ? આ મોંઘી ડાટ હોસ્પિટલોના બિલ ક્યાંથી ભરશું અને થયું પણ એવું જ હતું. ને યુવરાજના બેન સંગીતા બેન ને સુવાવડમાં મદદે બોલાયા ત્યારે તો મારી સાસુ બીમાર છે ભાભી મારાથી તો નઈ અવાય તમે પિયર જતા રો ને…..

તોય મેં તો સુખ દુઃખમાં બધું વેઠી લીધું ને આજે મંથન પણ 5 વર્ષનો થઈ ગયો છે. પણ પછી પૈસા આવ્યા એટલે સંગીતા બેન ને હવે ભાઈ કેવો વ્હાલો થઈ ગયો. મહિને આવી જાય ભાઈને મળવા. ને ભલે ને આવતી એ બિચારી હજાર બે હજાર લઇ જાય એમાં શુ ઓછું થવાનું.

“મમ્મી……” મંથન આવીને કૂદીને યોગીતાને વળગી પડ્યો.
યોગીતા ઝબકી ગઈ. આંખ માંથી આંસુ લૂછી લેતા હસીને બોલી
“મંથન આજે તો મામા ના ઘરે જવાનું છે”

મંથન તો રાજી રાજી થઈ ગયો. પણ એથીયે હરખઘેલી તો યોગીતા હતી. ને કેમ ન હોય 4 વર્ષે પિયર જતી હતી. એટલા દિવસ તો અહીં દુઃખ જ દુઃખ હતા એવામાં યુવરાજને એકલો મૂકી ને જવાયું જ નતું ને.
મંથન આયો એટલે યોગીતાએ યુવરાજને ફોન કર્યો

“હેલો”
” હા મંથન આવી ગયો તમે હવે આવો છો કે મુકવા”
” એ ભાઈ જતી રેને ચાલતી. બસ સ્ટેશન ક્યાં દૂર છે. અહીં મારા ભાઈબંધ આયા છે ” કહી ફોન કાપી દીધો.
એક ઝટકો લાગ્યો પણ સહી લીધો.
” મમ્મી પપ્પા આવે છે ને ? કેટલે આયા?”

“ના બેટા એ તો બહાર ગયા છે સો રુમ માટે માલ સામાન લેવા” હસીને એ બોલી.
પછી મંથન ને તૈયાર કર્યો. સૂટકેશ લઈને બહાર નીકળી બારણું વાસી તાળું માર્યું. ત્યાં જ પાછો ફોન રણક્યો.
“યુવરાજ” નામ દેખાયું. એટલે હરખાઈ હમણાં કેશે “ચલ હું આવું છું મુકવા”
“હા બોલો “

” અને હા ઘણા દિવસ ત્યાં પડી ના રેતી અહીં મને તકલીફ પડે છે.” ફરી ફોન કપાઈ ગયો. પણ યોગીતા કાન થી ફોન હટાવી ન શકી…. એ બસ ત્યાં જ એમજ ફોન કાને લગાવીને ઘડી ભર ઉભી જ રહી.
“મમ્મી ચાલ ને હવે ….”

” હા બેટા….. ” કહી એ ચાલી . આમ તો રડતા રડતા પિયર ન જવાય પણ નસીબ પણ એક ચીઝ છે ને……!
રામપુર ગામ માં પ્રવેશતા જ પાછીએ જોર માં આવી ગઈ. પગ તો ઉભા જ નહોતા રહેતા. ક્યારે બસ સ્ટેશનથી રામજી કાકાનો ગલ્લો આયોને ક્યારે મહાકાળી નું મંદિર ગયું ખબર પણ ન પડી. એના પગ સીધા જ ઘરે જઈને અટક્યા… ને ત્યાં જતા જ જાણે બધું દુઃખ ભૂલી ગઈ.
“દીદી” કહેતો નાનો ભાઈ હર્ષદ એને વધાવવા આવ્યો ને મંથન ને ઊંચકી લીધો.

ભાઈને ખબર અંતર પુછ્યા પછી સીધી જ જઈને બાપુજી ના ફોટા આગળ જઈને હાથ જોડીને ઉભી રહી. માથું નમાવીને પછી બા પાસે ગઈ.
” આવી ગઈ યોગીતા”
” હા મમ્મી….” કહેતી એ બા પાસે બેઠી. સુખ દુઃખ ની વાતો કરી.
“તો જીજાજી કેમ ન આયા?” ભાઇએ પૂછ્યું.

” અરે ભાઈલા શુ કહું હવે તને. આતો મારાથી પણ ન અવાત પણ એ તારા જીજાજી બાર ગયા છે માલસામાન લેવા એટલે અવાયું. “
” સારું દીદી આ વખતે તો રોકાઈશ ને મહિનો તો ?”

” ના ભાઈલા હું તો કાલે નીકળી જવાની. પછી એમને કોણ ખવડાવે ને રોજ બારનું ખાય તોય પાછા બીમાર પડે ને….?”
” દીદી તારું કાઈ નઈ થાય કોઈ દિવસ તું તારા માટે જીવીજ નથી. ” મોઢું ચડાવીને હર્ષદ બોલ્યો.

” ભાઈ સ્ત્રીને તો એવું જ હોય” હસીને યોગીતા બોલી.
એટલામાં તરત હર્ષદની પત્ની કુસુમ આવી .
” યોગીતા બેન તમે આયા” કહી એ પગમાં ઝૂકી કે તરત યોગીતાએ એને રોકી.
” અરે ભાભી બસ બસ ….”

એ દિવસે મંથન અને યોગીતા માટે આનંદનો દિવસ હતો. આખી રાત ભાઈ બહેને વાતો કરી હતી. બીજા દિવસે બપોર થયા એટલે જમી પરવારીને યોગીતા ને ચાલવાનો સમય થયો. એટલે એ ઓરડાના બારણે આયના માં જોવા ગઈ. ત્યાં એને અંદર થી અવાજ સંભળાયો…..

” હવે એટલા બધા રૂપિયા આપીને શુ કરવા છે તમારી બેન ને યુવરાજ ઘણુંય કમાય છે ને ….!” કડવાશ ભર્યો કુસુમનો અવાજ સંભળાયો ને એના પછી એક થપ્પડ નો અવાજ પણ એના કાને પડ્યો. યોગીતાના હાથ બારણા તરફ લાંબા થઈ ગયા પણ ખુલ્લા મોઢાથી એક શબ્દ પણ બોલી ન શકી….. ‘હું હર્ષદને રોકીશ તો એમને વચ્ચે વધારે ઝગડો થશે. ને કુસુમ પણ લાચાર પડશે. હું તો હમણાં જતી રઈશ પણ એમનો સંસાર પણ મારા જેમ સળગવા લાગશે. હજુ એક આઘાત પૂરો થાય એ પહેલાં તો બીજો આઘાત સંભળાયો …..ના દિલને અથડાયો….

” એને હવે વારતો નહીં જાવા દેજે…..” આ અવાજ તો જન્મી ત્યારનો સાંભળેલો હતો. એ કેમ ન ઓળખાય…..!
યોગીતા તરત ત્યાંથી નીકળી દૂર જતી રહી. પોતાની બેગ માંથી પેલી ચણિયાચોળી નીકાળી ને બુમ પાડી
” કુસુમ ભાભી ….. ” એટલા આઘાત માં પણ કેવો બળદની ધૂંધરી જેવો મીઠો રણકાર હતો એ…….!

” એ આવી યોગીતા બેન ” એટલા જ મીઠા અવાજ સાથે કુસુમ બહાર આવી.
“લો આ ચણિયાચોળી તમારા માટે લાવી છુ…”
” અરે આની શુ જરૂર હતી!” કહીને કુસુમ હરખાવા લાગી.
“લે દીદી ….” કહી હર્ષદે બે હજાર રૂપિયા આપ્યા.

કોઈ પણ આનાકાની વગર જ યોગીતાએ લઇ લીધા. કુસુમ તો એના હરખમાં હતી પણ પૈસા નો વ્યવહાર જોઈ બા નું મોઢું બગડ્યું એ યોગીતાએ આડી નજરે જોઈ લીધું હતું.

પછી બા ને પગે લાગી ભાઈ ભાભી ને આશીર્વાદ આપી એ ચાલી નીકળી. યોગીતા નીકળી કે તરત કુસુમ તો ચણિયાચોળી લઈને ગઈ અરીસા આગળ. ત્યાં જઈને જોયું તો એમાં બે હજાર રૂપિયા હતા. કુસુમ એ બે હજાર જોઈને બધું સમજી ગઈ.

” તો હવે ક્યારે આવીશ બેન?” રીતસરનો હર્ષદ સ્ટેશને રડી પડ્યો હતો.
” ભાઈલા મારે આવવા ની ક્યાં જરૂર છે. તારા આ અંતર માં જ બેન નું ઘર છે ને …..!” યોગીતા ભરી આંખે બોલી. પછી બસ ઉપડી એટલે બારીમાંથી ભાઈ ને , એ ગામ ને , એ જમીન ને ક્યાંય સુધી યોગીતાના ધ્રુજતા હાથ આવજો કહેતા હતા. બાળપણ માં લીલાછમ દેખાતા એ ખેતરો આજે બસની બારી માંથી કેવા સૂકા લાગતા હતા….!

વ્હાલા મમ્મી જી 

“આવી ગયો દીકરા?? કેમ છે હવે પગે?? દુખતું તો નથી ને? એવું હોય તો અઠવાડિયું રજા મૂકી દે” જેવો નિલય ઘરે આવ્યો કે તરત જ એની માતા ગોદાવરી બહેને એક સામટા સવાલો પૂછીને પાણી નો ગ્લાસ લઈને નિલય પાસે ગયાં.

“મમ્મી મને સારું છે કશી તકલીફ નથી… અને પાણી નથી પીવું મારે… આરતીએ હમણાં જ પાણી આપ્યું છે મને મમ્મી” નિલયે કહ્યું. નિલય સોફા પર બેઠો હતો. હજુ હમણાં જ એ ઓફિસેથી આવ્યો હતો. એની પત્ની આરતી કિચનમાંથી આ બધું જોઈ રહી હતી. એણે રસોડામાંથી જ નિલય તરફ એક કટાક્ષ ભરી નજરે જોયું. નિલય સમજી ગયો આરતીની નારાજગી નું કારણ.!!!! ગઈ કાલે રાતે નિલય રાતે બાથરૂમમાં લપસી ગયો હતો અને પગે મોચ આવી ગઈ હતી. સવારે દવાખાને બતાવ્યું તોય પરાણે ગોદાવરી બહેને નિલયને પગે ગરમ ગરમ હળદર ચોપડી દીધી હતી. અને પગ પર હળવે હાથે માલીશ કરતાં હતાં. આરતી ને આ વાતનો ખુબજ ગુસ્સો આવતો હતો પોતાના સાસુમા પર.!!! એ પોતાના દીકરાને હજુ નાનો જ સમજતા હતાં એની આરતીને ખુબ જ ચીડ હતી!! અને આ ચીડ ધીમે ધીમે વધતી જતી હતી. આરતી જયારે એની બહેનપણી સાથે વાત કરતી ત્યારે પણ એ બળાપો કાઢતી.

“આમ તો મારા સાસુ લાખ રૂપિયાના અને ભગવાન ના માણસ છે.કદી એણે મને કોઈ વાતમાં ટોકી નથી કે મારી સામે કાળું મોઢું નથી કર્યું બસ આ એક જ તકલીફ. આખો દિવસ એ નીલયની જ ચિંતા કરે રાખે. હવે એનો નિલય મારો પતિ છે હું એનું ધ્યાન રાખવાવાળી છું જ પણ તોય મારા સાસુ હજુ નાના છોકરાની જેમ જ નીલયને સાચવે છે,મને ક્યારેક હસવું આવે અને ક્યારેક ગુસ્સો આવે છે. મારા સાસુને કદાચ એમ હશે કે હું એના નીલયને એનાંથી વિમુખ કરી દઈશ. અરે સાસુમા આવું હોય તો છોકરાને પરણાવાય જ નહિ.અને એનો નિલય પણ એકદમ માવડિયો છે. હું એને આ બાબતમાં વાત કરું તો એ ખાલી હસ્યા કરે અને જો હું ગુસ્સો કરું તો પણ એ મને પરાણે વહાલ કરીને મનાવી લે છે. આમ તો મારે બાર બાદશાહી છે કોઈ જ તકલીફ નથી. કોઈ જ રોકટોક નથી.બસ મારા સાસુનો આ સ્વભાવ મને ગમતો નથી એ આટલો સ્વભાવ સુધારી લે તો સવાલાખના સાસુમા બની જાય એમ છે” પોતાની દરેક બહેનપણી સાથે આરતી આ વાત તો કરતી જ!! આખી સોસાયટી પણ આ વાત જાણતી અને આરતીને સમયાંતરે ખીજવતી હજુ તો પરમ દિવસે સામેના મકાનમાં રહેતી અનિતાએ આરતીને ખીજવી હતી.

“હું તો પિયર જતી જ નથી. તને તો ખબર જ છે ને કે આરતી મારા મનીષને મારા વગર ના ચાલે. એને મારા હાથની જ ચા ભાવે અને રોટલી પણ મારી જ ગમે. હું ઘરે ના હોવ ને તો એ ખાખરા ખાઈ લે. એને મારા સાસુના હાથની રસોઈ હવે ફાવતી નથી એટલે જ તો મનીષ મને ક્યાંય જવા ના દે. પણ તારે સારું હો આરતી તારે આવી કોઈ જ માથાકૂટ જ નહિ નીલયને તો તારા સાસુ સાચવી લે એને તારી સહેજ પણ જરૂર નહિ. તારે ગમે તેટલા દિવસ પિયર જવું હોય એટલાં દિવસ તું જઈ શકે છે. બહુ ઓછા ભાગ્યશાળી હોય છે તારા જેવા” અનિતાના આવા શબ્દો આરતીને દઝાડતા હતાં.

હજુ તો એ દોઢ વરસ પહેલાં જ પરણીને આ ઘરમાં આવી હતી. સસરાજીની ગેરહાજરી હતી. આ ઘરમાં ફક્ત એક સાસુમા હતાં અને એક નિલય !! બે જ જણાનું કુટુંબમાં એ આવી એટલે પ્રેમનો ત્રિકોણ થયો હતો. શરૂઆતમાં સાસુમા ગામમાં પોતાને લઈને ચા પીવા જતાં ત્યારે પણ એ નીલયના બચપણની જ વાતો કરતાં બધાની સાથે કે નાનો હતો ત્યારે નીલયને આ ભાવતું અને આવા આવા તોફાન કરતો મારો નિલય!! હવે થોડો સોજો થઇ ગયો છે પણ પેલા તો ખુબ જ તોફાની હતો. અને ગામવાળા પણ ગોદાવરી બહેનની બધી જ વાત શાંતિ પૂર્વક સાંભળતાં જ્યારે એકની એક વાત સાંભળીને આરતીને ધીમે ધીમે ચીડ ચડવા લાગી હતી. દરેક વાતમાં એ નિલયની વધારે પડતી સંભાળ રાખતા હતાં. જાણે આરતી એનું ધ્યાન જ ના રાખતી હોય. નિલય જમવા બેઠો હોય ત્યારે પણ ગોદાવરી બહેન પરાણે પરાણે બે રોટલી વધુ ખવરાવી દે અને એની થાળીમાં ડબલ ઘી નાંખી દે!! નિલય ના પાડે પણ ગોદાવરી બહેન માને જ નહિ. કોઈ મહેમાન આવ્યું હોય તો એને એમજ લાગે કે આરતી તો નીલયનું ધ્યાન જ નથી રાખતી જેટલું ધ્યાન ગોદાવરી બહેન રાખે છે.

સમય વીતતો ચાલ્યો થોડા જ સમયમાં આરતીને સારા દિવસો જવા લાગ્યાં અને ગોદાવરીબેન હવે નીલયની સાથે આરતીનું પણ ધ્યાન રાખવા લાગ્યા. એ આરતીને હવે કશું પણ કામ કરવા ના દેતાં. મોટે ભાગે એ બધું જ કામ હવે જાતે જ કરતાં હતાં. આરતીની પાસે બેસીને ગોદાવરી બહેન કહેતા જયારે નિલય એના પેટમાં હતો ત્યારે એને ખુબ જ તકલીફ થતી. આઠમા મહીને તો લગભગ રડી પડાતું એવા તોફાન નિલય પેટમાં રહીને કરતો. અને પછી તો રામાયણ જેવા પુસ્તકો પણ એને આરતીને લાવી આપ્યાં હતાં. જુના જન કલ્યાણ અને અખંડ આનંદ જેવા સામયિકો લાવીને ખડકલો કરી દીધો અને વાંચવાનો આગ્રહ કરતાં કે આવું વાંચન કરવાથી બાળક સદગુણી જન્મે છે. અને પાછા ઉમેરતા કે નિલય પેટમાં હતો ત્યારે એણે આવું પુષ્કળ વાંચેલું.

સીમંતવિધિ પછી આરતીને એના પિયરીયા તેડી ગયાં. જતી વખતે આરતી નીલયને મળી હતી. નિલય ઢીલો પડી ગયો હતો. આરતીએ એ વખતે ટોણો માર્યો.
“તમે શું કામ ઢીલા પડો છો.તમારી મમ્મી ધ્યાન રાખવા વાળી છે ને, મારા કરતાં વધારે સારું ધ્યાન તો એ રાખે છે ને”
“સાચવી ને રહેજે સ્વીટી… આ ઘરમાં અત્યાર સુધી પ્રેમનો ત્રિકોણ જ હતો. હવે તું આવશે એટલે ચતુષ્કોણ થાશે. દીકરો આવે કે દીકરી મારા માટે એ સરખું જ હશે અને અદ્ભુત હશે!! મિસ યુ સ્વીટી, મારું તો મન કહે છે કે હું પણ તારી સાથે જ આવું” નીલયની એક ખાસિયત હતી કે આરતી ગમે તેટલો એને ચીડવે કે ખીજાય પણ પ્રત્યુતરમાં એ આરતીને બમણો પ્રેમ કરતો. આજ આરતીની આંખો પણ ભીની થઇ ગઈ. અને આરતી પિયર આવી. એક માસ પછી આરતીને ઘરે દીકરાનો જન્મ થયો. સુવાવડ વખતે ખુબજ તકલીફ થઇ ગયેલી. આવનાર બાળકનું વજન સામાન્ય કરતાં વધારે હતું. આરતી બાળકનો જન્મ આપીને બેભાન થઇ ગયેલી અને એક દિવસ પછી જ ભાનમાં આવેલી. પુત્રના જન્મ વખતે આરતીએ ખુબ કષ્ટ સહન કરવું પડેલું અને બે જ દિવસમાં એનું શરીર સાવ નંખાઈ ગયું. ઉપરાંત તાવ પણ લાગુ પડી ગયેલો. હોસ્પીટલના ખાટલે પડેલી આરતી સાવ નંખાઈ ગઈ હતી.

ગોદાવરી બહેન અને નિલય આવ્યાં હરખ કરવા. નિલયે પોતાના હાથમાં અદ્ભુત સર્જન લીધું અને એ રોમાંચિત થઇ ગયો. દુનિયાના એ હાથ સહુથી વધુ ભાગ્યશાળી ત્યારે હોય છે જયારે એ પોતાના પ્રથમ સંતાનને પ્રથમ વખતે હાથમાં લઈને એ ને વહાલ કરે છે. આરતીના પિયરીયા જે ધ્યાન રાખવું જોઈએ એ રાખતા નહોતા આ જોઇને ગોદાવરી બહેનનો જીવ બળી ગયો. એને આરતીને પૂછી લીધું.

“બેટા ત્યાં આવતી રેને, તારું ધ્યાન રાખવા વાળી હું તો શું ને?? એવું લાગે તો ઘરે કામવાળી રાખી લઈશું ઘરનાં કામ માટે… અહી બધાં કામમાં છે તારું કોઈ ધ્યાન નહિ રાખી શકે એટલે તારું મન માનતું હોય તો અમારી સાથે જ ચાલ.. અને આરતી તરતજ એની સાથે નીકળી ગઈ. ઘરે આવીને આરતીએ સાસુમાનું આ નવું રૂપ જોયું. તમામ જવાબદારી સાસુમાએ ઉપાડી લીધી હતી. તાવને કારણે આરતીને લોહીના કણ ઘટી ગયાં હતાં.અને વધારે ગ્લુકોઝના બાટલા ચડાવવાના કારણે આરતીને હવે શરદી અને ઉધરસ પણ થઇ ગયાં હતાં. અને એવામાં તાવ પણ સખત આવે. ગોદાવરી બેને સાથોસાથ દેશી ઓશડીયા પણ શરુ કર્યા. આરતીને નવરાવવાથી માંડીને ખવરાવવાની તમામ જવાબદારી સાસુમાએ ઉપાડી લીધી હતી. અને પડખે બેસીને આરતીના માથે પ્રેમથી હાથ ફેરવતા અને સાંત્વના આપતાં. આરતીનો બધો ગુસ્સો અને ચીડ સાવ ઓગળી ગયાં હતાં. સાસુમાને એ દિલથી વંદન કરતી હતી.દોઢ માસની સતત સારવાર અને પ્રેમભરી માવજતથી હવે આરતી એકદમ સંપૂર્ણ સ્વસ્થ અને તંદુરસ્ત થઇ ગઈ હતી. બાળકનું નામ આલય પાડ્યું હતું. આરતી નો આ અને નિલય નો લય લઈને નામ પાડવામાં આવ્યું આલય!! ઘરમાં હવે સ્નેહનો ચતુષ્કોણ રચાયો હતો. હવે ગોદાવરીબેન આલય ને જોઇને કહેતા કે નાનો હતો ને ત્યારે નિલય પણ આવો જ તોફાની અને અદલ આવા વાંકડિયા વાળ વાળો જ હતો. આરતી ઘર કામ કરે ને ત્યારે આલય ગોદાવરી બેનની ગોદમાં જ હોય. દર દસ મીનીટે આરતી રસોડામાંથી ડોકિયું કરીને આલયને જોઈ જાય. નિલય અને આરતી વચ્ચે પ્રેમ વધુ મજબુત અને વધુ વચનબદ્ધ થઇ ચુક્યો હતો. આમેય પ્રથમ સંતાન ના જન્મ બાદ પતિ પત્ની વચ્ચે એક દિવ્ય પ્રેમ જન્મ લેતો હોય છે.

એક દિવસની વાત છે બહાર ઓટલા પર ગોદાવરીબેન આલયને રમાડતાં હતાં. આરતી રસોડામાં રસોઈ કરતી હતી. નિલય ઓફિસે ગયો હતો. અડધી કલાક સુધી કોઈ અવાજ ના સંભળાયો એટલે આરતી બહાર આવીને જોયું તો ના આલય મળે કે ના ગોદાવરી બહેન!! આજુબાજુ બધાને પૂછ્યું તો કહે હમણાં તો અહી બેઠા હતાં એટલી વારમાં ક્યાં ગયાં બને. કલાક પછી પણ આજુબાજુમાં ક્યાય ના મળ્યા આલય અને ગોદાવરી બહેન એટલે આરતી તો રડવા લાગી અને સાસુને શોધવા નીકળી. આવું આગાઉ ક્યારેય નહોતું બન્યું, સાસુમા એને પૂછ્યા સિવાય ક્યાંય જતાં નહિ અને આજે અચાનક આલય સાથે કયા ગયાં હશે.કશું અઘટિત તો નહિ બન્યું હોયને. ઓફિસે ફોન કર્યો અને નીલયને પણ બોલાવી લીધો. ત્યાં દોઢ કલાકે આલય અને ગોદાવરી બહેન એક બગીચામાં હિંચકા પાસેથી મળી આવ્યા. ગોદાવરી બહેને ખુલાસો કર્યો.

”અમે તો ઓટલે જ બેઠા હતાં .ત્યાં એક ઊંટ વાળો નીકળ્યો. આલયે જીદ કરી એટલે હું એને તેડી ને પાછળ પાછળ ગઈ અને આ બગીચામાં આલયને મજા આવી ગઈ અને એને રમાડવામાં કેટલો સમય જતો રહ્યો એની મને ખબર પણ ના રહી. નિલય નાનો હતોને ત્યારે આ બગીચામાં એને ખુબ જ ગમતું .. હું આલયને રમાડવા માં મશગુલ થઇ ગઈ. ભૂલમાં હું તને કહેવાનું પણ ભૂલી ગઈ કે હું આલયને લઈને બગીચામાં જાવ છું. મારી ભૂલ હો વહુ બેટા તમારે બેયને મારા કારણે દોડાદોડી થઇ એ માટે”

આરતીએ આલયને તેડી લીધો અને ખુબ જ વહાલ કર્યું અને બોલી.
“એમાં શું ભૂલ સાસુમા, આ તો તમે કીધા વગરના ગયાં હતાં એટલે ચિંતા થઇ હતી, બાકી આલય તમારી આગળ રહે કે મારી આગળ કોઈ ફરક ના પડે પણ એક વાત હું સ્વીકારું છું કે હું આલયને દસ મિનીટ ના જોવને તો મને ચેન ના પડે મારા દિકા વગર” આરતીની આંખમાં વહાલ સાથેના હરખના આંસુ હતાં.

“એ જ તો વાત છે ને કે અમુક સમજણ તો સ્ત્રીને સુવાવડ પછી જ આવે છે… હવે તને ખબર પડીને કે પોતાના પેટનાં સંતાન માટે માતાને કેવી લાગણી હોય છે.!! જે સંતાન ની ખાતર માતાએ નવ માસ સુધી ભાર ઉપાડ્યો હોય દુઃખ સહન કર્યું હોય. પ્રસુતિ વખતે પારાવાર પીડા ભોગવી હોય એ સંતાન પ્રત્યે માં નો પ્રેમ કાયમી હોય જ છે. દીકરો ગમે એટલો મોટો થઇ જાય મા ની આગળ તો એ હમેશા નાનો જ રહેવાનો!! મારો નિલય ભલે ને તારો પતિ અને એક દીકરાનો બાપ હોય પણ મારા માટે તો એ કાયમ બાળક જ રહેવાનો હું જીવીશ ત્યાં સુધી એની ચિંતા મને થતી રહેવાની. તને આજે સત્ય સમજાય છે ને કે પોતાના પિંડમાંથી જન્મેલા સંતાન પ્રત્યે મા ના દિલમાં કેવું સ્નેહનું ઝરણું ફૂટી નીકળે છે. જે ક્યારેય સુકાતું નથી!! તને આજે એ સત્ય સમજાયું…!! મને પણ આ સત્ય આ નિલયના જન્મ પછી જ સમજાયું હતું, નહીતર એની પહેલા હું પણ તારી જેમ જ મારા સાસુ સામે ઉલાળા જ ભરતી હતી. તારા સસરાને હું માવડિયો અને માય કાંગલો કહેતી હતી. !!તું તો હજુ ઘણી સારી છો આરતી બાકી હું તો મારી સાસુથી જુદી જ થઇ જવાની હતી. પણ નીલયના જન્મ પછી મને સમજાયું કે કોઈ દિવસ કોઈ પણ માતાને એના સંતાનથી જુદુ ના કરાય. હું તો આજ ની તમામ વહુ ને કહું છું કે તમારો પતિ તમારી સાસુનું માને તો માનવા દેજો અને મનોમન હરખાજો કારણકે ભગવાન તમને એવું જ સંતાન આપશે કે જે જીવનભર તમારું માનશે. બાકી જગતમાં સ્નેહ જ એક એવી વસ્તુ છે કે જે વહેંચવાથી ફોર જીની સ્પીડે વધે છે!! ગોદાવરી બહેને વાત કરી ને બધાનાં ચહેરા મલકી ઉઠયા અને સહુ ઘરે આવ્યા. ઘરમાં હતી તેના કરતાં વધુ શાંતિ અને સુખનું વાતાવરણ તે પછીના દિવસોમાં કાયમી રહ્યું.

“જગતમાં બે જ વસ્તુઓ કાયમી અને અવિચળ છે, એક ધ્રુવનો તારો અને બીજી માની સ્નેહભરી સરવાણી જે પોતાના સંતાનો માટે આજીવન અવિરત વહેતી રહે છે”

એક પળ ઝીન્દગી 

સાંજની વેળા છે , વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને ધોધમાર વરસાદ ચાલુ થયો , વરસતા વરસાદ માં બે યુવા હૈયા કે જેનું નામ છે વૈભવ અને રેણુકા ઑફિસેથી પરત ફરી રહ્યા હતાં. અચાનક અણધાર્યા સમયે વરસાદ આવતા આ યુવાન કપલ રસ્તાની બાજુ પર આવેલા એક ઘટાદાર વૃક્ષની નીચે ઉભા રહ્યાં.

વરસાદ પણ પોતે મન મુકીને વરસવાનું નક્કી કર્યું હોય એવું લાગતું હતું , જો કે વરસાદ કોને ન ગમે , વરસાદ બધાને ગમે પછી તે બાળક હોય કે યુવાન કે પછી વૃદ્ધ સૌ કોઈને વરસાદ ગમતો હોય છે.

વરસાદ ને લીધે રસ્તો એકદમ પાણી પાણી થઇ ગયો હતો અને વરસાદનાં અવાજ સિવાય અન્ય કોઈ અવાજ સંભળાતો હતો નહીં.વરસાદને લીધે આજુબાજુનું વાતાવરણ નયનરમ્ય થઈ ગયું હતું જેને માણવો એ એક સહજ મનુષ્યની મનોવૃત્તિ હોય છે પરંતુ વરસાદ શીખવે છે કે જિંદગીની અમૂલ્ય અને કિંમતી પળો માત્ર માણી કે અનુભવી શકાય છે સાચવી શકાતી નથી.

રસ્તાની બાજુએ વૃક્ષની પાસે ઊભેલું પેલું યુવાન કપલ આ અનેરી પળો માણી રહ્યું હતું , એવા મા વૈભવનું ધ્યાન રેણુકાના સુડોળ અને સુંદર શરીર પર પડયું જે વરસાદમાં ભીંજવાથી બધું આકર્ષક અને મોહિત લાગી રહ્યું હતું.

રેણુકા પરથી વૈભવને નજર હટાવવાની ઈચ્છા થતી ન હતી, રેણુકાનાં વરસાદને લીધે ભીંજાયેલા એના સુંદર કાળા ભમ્મર વાળ જાણે એના વાળમાં કોઈ હીરા જડયા હોય એવી રીતે ચમકી રહ્યા હતાં, રેણુકાના ચહેરા પર પડેલા વરસાદનાં પાણીના ટીપા તેની સુંદરતા અને મોહકતા માં ચાર ચાંદ લગાવી રહ્યા હતાં અને ભીંજાયેલી સાડીમાં રેણુકા ને જોયા પછી તેનું સુડોળ શરીર વૈભવના માનસપટ્ટ પર છવાય ગયું હતું અને તેની સાડીની એક બાજુ થી ડોક્યુ કરી રહેલ રેણુકાનો કમરનો ભાગ વૈભવને વધુ ને વધુ મોહિત કરી રહ્યો હતો, વરસાદને લીધે આજુબાજુનું વાતાવરણ જેટલું નયનરમ્ય હતું તેટલું જ રેણુકાનું શરીર વૈભવને નયનરમ્ય લાગી રહ્યું હતું.

વૈભવ અને રેણુકા બંને એકબીજા એ આંખોમાં આંખ પોરવી ને એકબીજાને નિહાળી રહ્યા હતાં ત્યાંજ જોરદાર અવાજ અને પ્રકાશ સાથે વીજળીનો એક જોરદાર કડાકો થયો, વીજળી નો કડાકો થતાની સાથેજ જેવી રીતે કોઈ નાનુ બાળક તેના માતા કે પિતાને વળગી જાય એવી જ રીતે રેણુકા વૈભવને વળગી ગઈ.

જેવી રેણુકા વૈભવને ભેટી એવો જ વૈભવે રેણુકાના માથા પર અને બરડાના ભાગે હાથ ફેરવ્યો અને નાના બાળકને જેવી રીતે હિંમત આપી એ તેવી જ રીતે વૈભવે માત્ર પોતાનો સ્પર્શ થી રેણુકાને હિંમત આપી.

રેણુકાએ ફરીથી એકવાર વૈભવ તરફ ગર્વ અને પ્રેમપૂર્વક જોયું અને એકબીજામાં ઓતપ્રોત થઇ ગયાં અને પોતાની પ્રેમની યાદોની દુનિયામાં ખોવાય ગયા.

આજે એફ.વાય.બી.એસ.સી ની પરીક્ષાનું પરિણામ આવવાનું હતું સૌ કોઈને પોતાના પરિણામની ચિંતા હતી.બધા વિદ્યાર્થીઓ ઓ ખૂબ જ આતુરતાપૂર્વક પોતાના પરિણામની પ્રતીક્ષા કરી રહ્યા હતાં.

એટલામાં જ એફ.વાય. બી.એસ.સી નાં કલાસ કોર્ડિંનેટર પંચાલ સાહેબ આવ્યા.તેના હાથમાં યુનિવર્સિટી ની પરીક્ષાની માર્કશીટો હતી.થોડુંક પ્રવચન આપ્યા બાદ પંચાલસાહેબે પરિણામની જાહેરાત કરવા લાગ્યાં.

“ આપણાં વર્ગ માં 80 % સાથે પ્રથમ નંબર પર આવે છે ….મિ. વૈભવ “

સૌ કોઈ એ તાલીઓના ગળગળાટ સાથે પુરા કલાસે વૈભવની આ સિદ્ધિ ને બિરદાવી અને અભિવાદન કર્યું.

“ અને 78% સાથે બીજા નંબરે પર આવે છે રેણુકા “ ફરી આખો કલાસ તાળીઓના ગડગડાટ સાથે ગુંજી ઉઠ્યો.

રેણુકા વૈભવને મનોમન ચાહતી હતી અને વૈભવ પણ રેણુકાને મનથી પસંદ કરતો હતો પરંતુ પ્રથમ વર્ષ આખું પૂરું થઈ ગયું છતાં પણ તે લોકો એકબીજાને પોતાના હૃદયની લાગણી જણાવી શક્યાં નહીં.જોતજોતમાં એસ.વાય.બી.એસ.સી પણ શરૂ થઈ ગયું.

બીજું વર્ષ શરૂ થયા નાં એકાદ મહિના બાદ રેણુકાએ વૈભવને પોતાના પ્રેમ નો પ્રસ્તાવ મુક્યો , રેણુકાનો પણ ખબર હતી કે વૈભવ પણ તેને મનથી ચાહે છે કે પસંદ કરે છે.

“ વૈભવ ! મારે તને કંઇક કહેવું છે “ – થોડા ગભરાયેલા અવાજ સાથે રેણુકાએ વૈભવને કહ્યું.

“ હા ! બોલ રેણુકા તારે મને શું કહેવું છે “

“ પહેલા તું મને પ્રોમિસ આપ કે તું ના નહીં પાડે !”

“ અચ્છા ચાલ પ્રોમિસ આપ્યું બસ “

“ વૈભવ મને ખબર છે કે તું મને પસંદ કરે છે અને હું પણ તને છેલ્લા એક વર્ષથી પસંદ કરું છું “

“ હું ઘણા સમય થી વિચારી રહી હતી કે તારી સમક્ષ મારા પ્રેમનો પ્રસ્તાવ કેવી રીતે મુકુ , પરંતુ મને કઇ વિચાર આવ્યો નહીં એટલે મેં આજે નક્કી જ કર્યું હતું કે ગમે તે થાય આજે તો હું મારા પ્રેમનો પ્રસ્તાવ તારી સમક્ષ મૂકીને જ રહીશ”

“ આઈ લવ યુ ! વૈભવ”

આ બધું સાંભળીને વૈભવ એકદમ આવક બની ગયો તેના રોમેંરોમમાં જાણે કોઈ હાઈ વોલ્ટેજનો કરન્ટ પસાર થયો હોય એવું લાગી રહ્યું હતું અને સ્વાભાવિક છે કે આપણે જેને મનોમન ચાહતા હોય અને તે વ્યક્તિ સામે ચાલી આવીને પોતાના પ્રેમનો પ્રસ્તાવ મૂકે ત્યારે આપણી પરિસ્થિતિ પણ વૈભવ જેવી જ થતી હોય છે. વૈભવ એકદમ શૂન્યમનસ્ક બની ગયો , રેણુકાએ મુકેલ પ્રસ્તાવ સ્વીકારાવો કે નહીં ? શું જવાબ આપવો વગેરે….વિશે વૈભવ મનમાં વિચારવા લાગ્યો.

“ રેણુકા એ તારી વાત સાચી છે કે હું તને પસંદ કરું છું પણ એનો અર્થ એ નહીં કે હું તને પ્રેમ કરું છું માટે એ શક્ય નહીં મારા માટે “

પોતાને પસંદ કરતાં વૈભવ પાસે થી રેણુકાએ આવા જવાબની આશા રાખી હતી જ નહીં અને વૈભવનો આવો ઉત્તર સાંભળી ને રેણુકા રડતા રડતા દુઃખી હૃદયે ત્યાંથી જતી રહી.

એવું તે શું કારણ હશે કે વૈભવ રેણુકાનો પસંદ કરતો હોવા છતાં પણ તેણે રેણુકાના પ્રેમના પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો …એનું કારણ હતું….વૈભવનું ગરીબ કુટુંબ …વૈભવ ભણી-ગણી પહેલા પોતાના પરિવાર માટે કંઈક કરવા માંગતો હતો.

આ બનાવ નાં એક મહિના પછી રેણુકાની હાલત વૈભવ જોઈ ન શક્યો કારણકે ગમે તેમ તો વૈભવ તેને પ્રેમ તો કરતો જ હતો આથી તેને રેણુકાનો કોલેજ પુરી થાય પછી કોલેજ ના બગીચે મળવા બોલાવી.

વૈભવે પણ આજે રેણુકાનો જણાવવા નક્કી કર્યું હતું કે તેની લાગણીઓને હર્ટ કરીને પોતે કેટલો દુ:ખી છે ..એવામાં પાંચ ક્યાં વાગી ગયા એ ખબર ન ના પડી અને રેણુકા કોલેજના બગીચામાં વૈભવને મળવા આવી.

“ રેણુકા હું તને ખૂબ જ પ્રેમ કરું છું અને હું તારા વગર નહીં રહી શકીશ” – વૈભવ એક શ્વાસે જ બધુ બોલી ગયો .

“ આઇ લવ યુ ! રેણુકા” .

“ આઈ લવ યુ ટુ વૈભવ “ આટલું બોલતાની સાથે જ રેણુકા વૈભવને ગળે મળીને રડવા લાગી.

વૈભવ પણ પોતાની લાગણી ઓ ઉપરનો કાબુ ગુમાવી એ પણ રડવા લાગ્યો બંને ના ચહેરા પર અશ્રુ સાથે એક નાનું સ્મિત હતું.

“ પણ મને એક વાતનું પ્રોમિસ આપ કે આપણા આ સંબંધની અસર ક્યારેય મારા કે તારા અભ્યાસ પર નહીં પડે , પહેલા આપણે આપણાં પોત પોતાના પરિવાર માટે કંઈક કરીશું અને પછી જ આપણે આપણા ભવિષ્ય વિશે વિચારશું “

“ એક આશા અને વિશ્વાસ સાથે રેણુકા એ હસતાં – હસતાં પ્રોમિસ આપી”.

જે પ્રેમ કે પ્રણય ની કોઈ શકયતા હતી જ નહીં અને એજ પ્રેમ આજે તેની તમામ સીમાઓ અને હદ વટાવી ગયો અને ફરીથી એ સાબિત કરી દીધું કે હંમેશા સાચા પ્રેમની જીત થાય છે.

અચાનક ફરી એકવાર વીજળીનો જોરદાર પ્રચંડ અવાજ સાથે ધડાકો થયો અને બંનેવ એકાએક ઝબકી ઉઠ્યા અને પોતાની સોનેરી યાદોની દુનિયામાંથી બહાર આવી ગયાં અને એકબીજા તરફ પ્રેમથી એક સ્મિત આપ્યું. વરસાદ પણ હવે બંધ થઈ ગયો હતો. આજે તેના લગ્ન થયાં ને બે વર્ષ જેવું ગયું હતું.

વૈભવ પોતાની બાઇક પર બેઠો અને રેણુકા વૈભવને એકદમ પ્રેમથી વળગી ગઈ અને વૈભવની પીઠ પર પોતાનું માથું ટેકવી દીધું અને પોતાની જાત પર ગર્વ અનુભવી રહી હતી કે અંતે તેનો પ્રેમ સફળ થયો અને મનોમન ભગવાન નો આભાર માન્યો અને તેઓ અંધારાને ચીરતાં – ચીરતાં તેઓ પોતાના ઘરે પહોંચી ગયા.

મહેંદી તેં વાવી માળવે ને…..!! 

પવઈ સ્થિત આઈઆઈટી મુંબઈ જાણે કે એક સપનાનું સ્થળ!! એક અલગ જ દુનિયા !!

હજારો વિદ્યાર્થીઓની નજર આઇઆઇટી પર ચોંટી રહેતી કે એકવાર અહિયાં એડમીશન મળી જાયતો જીવનનું એક ધ્યેય પૂરું થાય!!! આવી આઇઆઇટી મુંબઈમાં માસ્ટર ડીગ્રીનાં છેલ્લાં વરસનાં બે આઇઆઇટીયન આઇઆઇટીથી થોડે દૂર આવેલાં હીરાનંદીની બગીચામાં સવારથી જ વહેલા આવી ગયાં હતાં. પોતાનાં માનીતા સ્થળે બાંકડા પર પૂર્વ દિશામાં એક ઘટાદાર ઝાડ નીચે બેઠા હતાં. હજુ તો સવારના આઠ જ વાગ્યા હતાં. વાતાવરણમાં એક નીરવતા વ્યાપેલી હતી. થોડાક સીનીયર સિટીઝનો વરસોથી વડાપાવ ખાઈ ખાઈને વધારેલી ચરબી ઘટાડવા માટે જોગીંગ ટ્રેક પર જોગીંગ કરી રહ્યા હતાં. બાંકડાની સામેજ એક નાનું તળાવ અને પથ્થરની કેડી અને ચોતરફ લીલીછમ લોન એક અદમ્ય તાજગીનો અહેસાસ કરાવતી હતી. બાંકડા પર બેઠેલાં એ ફૂટડા યુવાનનું નામ શિશિર પટેલ અને એની અડોઅડ બેઠેલી યુવતીનું નામ સંજના પટેલ.

સંજનાને જોઇને તમે પહેલી નજરે જ થાપ ખાઈ જાવ કે આવા સાદા પિંક ડ્રેસમાં સુશોભિત યુવતી આઇઆઇટીમાં અભ્યાસ કરતી હોય!! સંજના એકદમ સુંદર!! એકદમ ગોળમટોળ ચહેરો!! સહેજ ભરાવદાર હોઠ વગર લીપસ્ટીકે પણ એકદમ લાલચોળ!! ચહેરાની ડાબી બાજુએ એક કાળો તલ!! તેજસ્વી અને રહસ્યમય આંખો!! સપ્રમાણ શરીર!! શરીરના રંગોને અનુરૂપ માઈલ્ડ રંગની નેઈલ પોલીશ સંજનાની ની કુદરતી ખુબસુરતીમાં જરા હટકે વધારો કરતી હતી. સંજના રાજકોટના પ્રથમ હરોળનાં ઉદ્યોગપતિ શ્રી ગોવિંદભાઈ પટેલની એક ની એક દીકરી હતી. બીઈ મીકેનીકલ રાજકોટની એક કોલેજમાંથી પૂરું કરીને એ અહિ માસ્ટર ડીગ્રી કરવા મુંબઈ આવી હતી. અઘરી ગણાતી GATE ની  એન્ટ્રેસ એકઝામ પાસ કરીને જયારે એને આઇઆઇટી મુંબઈથી કોલ લેટર  મેળવ્યો ત્યારે એ રીતસરની નાચી ઉઠી હતી!!!

શિશિર પટેલ વડોદરાનો રહેવાસી હતો. એનાં પાપા વિશાલભાઈ એક જાણીતા વકીલ!! વડોદરાની ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગમાંથી બીઈ મીકેનીકલ કરેલું!! તે પણ સખત મહેનત કરીને GATE ની પરીક્ષા પાસ કરીને  આઇઆઇટી મુંબઈના ગેટમાં પગ મુકવામાં  સફળ થયો હતો.!! બસ આજે તેમનો આ છેલ્લો દિવસ હતો.!! પરિક્ષાઓ વાઈવા બધું જ પૂરું થઇ ગયેલું. કાલથી જ સંજના અને તેનાં રસ્તા કાયમ માટે જુદા પડી જવાના હતાં!! જીવનમાં ફરીથી ક્યારે મળે કે ના મળે એ કશું જ નક્કી નહોતું!! આજે બને એ આખો દિવસ સાથે વીતાવવાનો નક્કી કર્યો હતો!! શિશિર પોતાની સાથે બે પાણીની બોટલ એક બિસ્કીટનું પેકેટ, ૨૦૦ ગ્રામ શીંગનું એક પેકેટ, એક બ્રિસ્ટોલનું આખું પેકેટ!! આમ તો એ ક્યારેક જ બ્રિસ્ટોલ પીતો અને એ પણ એક જ પણ આજ એ આખું પેકેટ પૂરું કરવાનાં મુડમાં હતો!! સંજના પોતાની માનીતી મગદાળના બે પેકેટ લાવી હતી!!એક મહેંદીનો કોન લાવી હતી.

શિશિર આજે તેનાં ડાબા હાથ પર છેલ્લી વાર મહેંદી મુકવાનો હતો!! શિશિર ખુબ જ સારી મહેંદી મુકતો!! શિશિરના મમ્મી હંસાબેન બ્યુટી પાર્લર ચલાવતાં અને જ્યારથી શિશિર સમજણો થયો ત્યારથી એની મમ્મીને મહેંદી મુકતા જોતો. આમેય માના ખોળામાંથી  મળેલ વારસો આજીવન રહેતો હોય છે!! છેલ્લાં બે વરસથી એ અવારનવાર સંજનાને મહેંદી મુકતો અને આમેય એની મુકેલ મહેંદી સંજનાના હાથમાં ઓર ખીલી ઉઠતી અને દિલથી કરેલ કોઈ પણ કામ ખીલી જ ઉઠે!! કાલે સાંજે જ સાંજના એ “કાફે મેન્ગાઈ” માં કોફી પીતાં પીતાં સંજનાએ કીધેલું.

“શિશુ હવે કાલે આપણે જુદા થઈએ છીએ!! પછી નક્કી નહિ જિંદગીના કેવા મોડ પર આપણે મળીયે કે પછી ના મળાય એ પહેલાં હું તારી પાસે એક બે વચન માંગુ છું, મને આશા છે કે તું ના તો નહિજ પાડે” સંજના હમેશાં શિશિરને પ્યારથી શિશુ કહેતી.

“બોલ સંજુ તું કહે એટલાં વચન આપવા માટે બંધાયેલો છું. ભલે આપણે જુદા થઇ એ છીએ પણ હું તો અહીંથી મેળવીને જ જાવ છું!! કોઈ અફસોસ નથી મને જુદા થવાનો!! અફસોસ તો એને હોય કે જેણે ગુમાવ્યું હોય!! અને માન કે મેં કશું ગુમાવ્યું હોય તો પણ એ અહીંથી જ મેળવેલું છે ને તો એમાં અફસોસ શેનો!! જીવનનો એક નવો પાઠ શીખીને જઈ રહ્યો છું. તારો પ્રેમ અને તારી યાદો જીવનભર  યાદ રહેશે..અને એ પણ ખુમારી સાથે!! એક ચાલક બળ તરીકે તારો પ્રેમ મારામાં રક્તની જેમ વહેતો રહેશે” શિશિર પણ સંજનાને વ્હાલથી હમેશાં સંજુ કહેતો.

“ કાલે તું મને છેલ્લી વાર મહેંદી મૂકી દેજે.. એ પણ ફક્ત ડાબા હાથ પર.. બીજું કે તારું એન્ગેજમેન્ટ થાય ત્યારે તારી થનાર પત્ની ને તું જમણા હાથ પર મહેંદી મૂકજે.. અને એને તું ભરપુર પ્રેમ કરજે.. એ કેટલી ભાગ્યશાળી હશે કે જેને તારા જેવો સમજદાર યુવક પતિ તરીકે મળશે.. અને હવે છેલ્લી વાત આપણે બંને ક્યારેય એક બીજાને કોલ નહિ કરીએ..!! ક્યારેય નહિ…!!! કોઈ પણ સંજોગોમાં નહિ.. આપણે એક બીજાની ચિંતા પણ મનમાંથી કાઢી નાંખીશું.. બસ એક બીજાનો પ્રેમ કાયમ રહેશે…” બોલતાં બોલતાં સંજના લગભગ રડી પડી. કોફી શોપના ટેબલ પર સંજનાના માથા પર હાથ ફેરવતો શિશિર સંજનાને સાંત્વના આપતો રહ્યો… થોડીવાર પછી બને અલગ અલગ દિશામાં આવેલી પોતાની હોસ્ટેલ તરફ રવાના થયા. સંજના કેમ્પસમાં આવેલી હોસ્ટેલ ૮d માં રહેતી હતી અને શિશિર કેમ્પસની લગભગ બહાર આવેલી હોસ્ટેલ ૧૬ માં રહેતો હતો..

બંને એકબીજા ને ખુબ જ પ્રેમ કરતાં હતાં એક બીજાને!! એક જાતના  પ્લેટોનિક લવ કરતાં પણ ઉંચો પ્રેમ..!! એવું પણ નહોતું કે એકબીજાના કુટુંબીજનોને આ બને સંબંધ નાપસંદ હોય!! હકીકતમાં બને એ પોતાના કુટુંબમાં કોઈને પણ પોતાના આ પ્રગાઢ સંબંધોની વાત ક કરી પણ નહોતી!! કોઈ વિરોધ પણ નહોતો એનાં પ્રેમનો!! આખું કેમ્પસ અને પવઈ નો સમગ્ર વિસ્તારથી માંડીને એલીફન્ટાની ગુફાઓ. અને જુહુ ચોપાટી ની ભીની ભીની રેતી પણ આ બનેના એક પવિત્ર પ્રેમની સાક્ષી હતી. બે વરસમાં આ બનેએ આખી જિંદગી જીવી લીધી હતી.. તો એવું તો શું બનેલું કે બને હવે પોત પોતાનાં ઘરે જઈ રહ્યા હતાં અને કાયમ માટે જુદા થઇ રહ્યા હતાં..!!!એનાં માટે જવાબદાર હતો   બે વરસ પહેલાનો પ્રસંગ જયારે સંજનાએ પોતાના પિતા પાસે આઈઆઈટી માં ભણવા માટે રજા માંગી.. રાજકોટમાં પોતાનાં ઘરે એક સાંજે સંજના એ એનાં પિતા ગોવિંદભાઈને કહ્યું. એનાં પિતા પોતાની લોખંડની ફેકટરી પરથી હજુ આવ્યાં જ હતાં.

“પાપા  આજે કોલ લેટર આવ્યો મુંબઈથી મને આઇઆઇટીમાં એડમીશન મળી ગયું છે.

“ સરસ પણ હવે આગળ ભણી ને શું કરવું છે,?? આટલું બસ નથી??!! હવે તારા માટે એક યોગ્ય  મુરતિયો શોધીને તારા હાથ પીળા કરી દઉં એટલે ગંગ નાહ્યા!! ઘણું મેળવ્યું છે જીવનમાં.. હવે કશી જ ખેવના નથી..

“પણ પાપા મારે હજુ આગળ ભણવું છે પાપા, આઇઆઇટીમાં એડમીશન મેળવવું એ કઠીન છે, મને મળી ગયું છે તો આ  છેલ્લાં બે વરસ ભણી લેવા દોને પાપા.. પ્લીઝ અત્યાર સુધી તમે મને કશી જ ના નથી પાડી” સંજનાએ લાગણીભીના અવાજે કહ્યું.

“ઓકે પણ એ મુંબઈ શહેર!! તને ફાવશે ત્યાં?? મને તારી પર પૂરો ભરોસો છે!! પણ હૈયું ના પાડે છે. હું તને રજા આપીશ પણ તારે મારી એક શરત પાળવી પડશે.. જો એ મંજુર હોય તો તું ખુશીથી જા બેટા.. જેટલું ભણવું હોય એટલું ભણ મને કોઈજ વાંધો નથી..” ગોવિંદભાઈ ઉભા થયા. એની આંખમાં એક કડકાઈ ભરી ચમકની  વચ્ચે વેદના દેખાતી હતી.

“કઈ શરત પાપા,?? તમારી તમામ શરત મને મંજુર છે.” સંજના ખુશીથી બોલી ઉઠી. જવાબમાં ગોવિંદભાઈ કશું ના બોલ્યાં. સંજનાનો હાથ પકડીને તે પોતાના બેડરૂમમાં ગયાં બેડરૂમની દક્ષિણ દિશામાં સંજનાની મમ્મી દેવીકાનો એક મોટો ફોટો હતો. પાપાએ લગ્ન પહેલાં એ ફોટો પાડ્યો હતો. પોતે જ્યારે વરસ દિવસની હતી ત્યારે તેમની મમ્મી મૃત્યુ પામી એમ એનાં પાપાએ કીધેલું.

“બેટા તારા મમ્મીના ફોટા તરફ જો તારી જેવી જ સુંદર દેખાય છે ને!!?? પણ બેટા એની ખુબસુરતીની પાછળનો કદરૂપો ચહેરો દેખાય છે??? ગોવિંદભાઈ એ એક વેધક પ્રશ્ન કર્યો.

“ ના પાપા મને કશું ના સમજાયું, તમે મને માંડીને વાત કરો” સંજનાના શરીરમાં એક અજબ કંપારી છૂટી ગઈ જે મમ્મીના ફોટાને એ વહાલથી જોતી એનાં વિષે પાપા આવું કેમ કહેતા હશે એ એને ના સમજાયું.

“ બેટા જિંદગીના કેટલાક રહસ્યો ખોલવા જેવા હોતા નથી, અમુક રહસ્ય રહસ્ય રહે એમાજ ભલાઈ છે પણ આજે હું તને આ રહસ્ય જણાવું છું. તારી મમ્મી અને મારા પ્રેમ લગ્ન થયેલા મારા પિતાજીનો વિરોધ પણ હું મક્કમ હતો. હું અને તારી મમ્મી પણ કોલેજમાં સાથે ભણતાં,એ વખતે પ્રેમ લગ્ન એ સમાજ અને કુટુંબ માટે આંચકા સમાન છે. બે વરસ અમે દૂર રહ્યા પછી પિતાજી સાથે સમાધાન થયું ને હું ને તારી મમ્મી અહી આ બંગલામાં રહેવા આવી ગયાં. બે વરસ પછી તારો જન્મ થયો. તું સારા પગલાની હતી બેટા તારા જન્મ પછી એક જ વરસમાં મારી કમાણી ત્રણ ગણી થઇ.. હું આનંદમાં હતો.. તારી મમ્મીને હું ખુબજ ચાહતો હતો ખુબ જ પણ જયારે તું એક વરસની હતી ત્યારે તારી મમ્મી ઘરમાંથી મોટી રકમ લઈને મારી જ ફેકટરીના એક મેનેજર સાથે ભાગી ગઈ!! એ મરી નથી ગઈ બેટા!! પછી એનું શું થયું એ મને ખબર નથી.એક ચિઠ્ઠી મુકતી ગઈ.. લખ્યું કે મને અહી ગુંગળામણ થાય છે તમારાં કરતાં મને એ મેનેજર વધુ પ્રેમ કરે છે હું એની સાથે જાવ છું.. મને ગોતતાં નહિ..

હું સંજનાને સાથે લઇ જાત પણ મેનેજર  ના પાડે છે એટલે નથી લઇ જતી.. તમે સંજનાને ના સંભાળી શકો તો કોઈ અનાથાશ્રમમાં મૂકી દેજો. વિચાર કર બેટા એક મા પોતાના પ્રેમ માટે પોતાની એક વરસની કુમળી દીકરીને મુકીને જતી રહે છે !! આવો પ્રેમ હોય બેટા!!?? આવો પ્રેમ !!?? આ વાસના હતી વાસના!! મને નફરત થઇ ગઈ સ્ત્રી જાતિથી!! બસ તારે ખાતર જીવતો રહ્યો. મને ઘણું દબાણ થયું બીજા લગ્ન કર પણ હું ઝૂક્યો નહિ કારણ એટલું જ સગી માં તારી ના થઇ તો પારકી તો શું તારું ધ્યાન રાખે??” ગોવિંદભાઈ રડી રહ્યા હતાં. સંજના પણ પાપાના ખભ્ભા પર માથું નાંખીને રડતી હતી. થોડી વાર પછીગોવિંદભાઈ એ કહ્યું.

“ તારા માટે જીવી ગયો આ બાપ દીકરી તારા માટે જીવી ગયો છું!!, મેં આ ફોટો અહી એટલાં માટે જ રાખ્યો છે કે તને એ બાબતની ક્યારેય જાણ ના થાય કે તારી મા ખરેખર કેવી હતી. સગા સંબંધીને પણ મેં હાથ જોડીને વિનંતી કરી હતી કે મારી દીકરીને કોઈ આ વાત ના કરશો કારણ કે એ આખરે એ એની મા છે. પણ આજે મારે તને એ વાત કહેવી પડે છે એ મારી મજબૂરી છે. તારે મને વચન આપવું પડશે કે તું તારી જાતે તારો જીવન સાથી નહિ શોધે. તારા જીવનસાથીની પસંદગી મારા હાથમાં હશે. આડકતરી રીતે કે સીધી રીતે એ નિર્ણય તારે લેવાનો જ નથી.. દરેક રૂપાળી વસ્તુ દગાબાજ હોય છે એવી ગ્રંથી મારા મનમાં છે.. તારી મા પણ રૂપાળી ને એ પણ દગાબાજ નીકળી. અંતે હવે મારે જોવું છે કે તારામાં કયો વારસો ઉતર્યો છે, મારો વારસો !! કે તારી માનો વારસો..!!

હું એ વખતે તો તારી ખાતર જીવી ગયો પણ જો તું મારું વચન નહિ પાળે તો હવે હું જીવી નહિ શકું. તને મોટી કરવામાં મેં જાત ઘસી દીધી છે બેટા તને કદાચ આ નહિ ગમે.. નાનપણમાં તું ખુબ જ જીદી હતી. તારી દરેક જીદ મેં પૂરી કરી છે  હવે મારી આ પહેલી અને છેલ્લી જીદ છે. હવે હુંય જોઉં કે મારી આ જીદ બાબત મારી દીકરી શું કહે છે” ગોવિંદભાઈએ જીવનભરની બળતરા આજે કાઢી. સંજનાએ આંસુ લુંછ્યા. ચહેરો મક્કમ કર્યો. બાજુમાં પડેલું સ્ટુલ લાવીને દીવાલને અડીને મુક્યું અને તેની માથે ચડીને એની મમ્મીનો ફોટો ઉતાર્યો અને કહ્યું.

“આ ઘરમાં હવે આ ફોટાને પણ સ્થાન નથી અને હું તમને વચન આપુ છું કે મારા માટે તમને યોગ્ય લાગે તે યુવક પસંદ કરજો હું તમારી આજ્ઞા માનીશ!! પાપા તમે ચિંતા ના કરો હું લવ મેરેજ નહિ કરું.. વિશ્વાસ આપું છું.. એક દીકરી બાપને વિશ્વાસ આપે છે”!! સંજનાએ પિતાના બંને હાથ પોતાના હાથમાં લીધા…!! અને સંજના આઇઆઇટી મુંબઈમાં આવી…!!!

આઇઆઇટી મુંબઈ!!!!!

કહેવાય છે કે અહી ઇજનેરો પેદા થાય છે પણ તમે એનું વાતાવરણ જુઓ તો તમને સમજાય કે અહી દિલનો પણ વ્યાપાર થાય છે.. અહી આવો એટલે તમારું અંગ્રેજી પાકું થઇ જાય અને એ પણ  અંગ્રેજી ઈરોટીકા વાંચી વાંચીને!! અહી પ્રેમના નામે મુક્તતા અને આધુનીકતા  તમને ભરડો લઇ જાય..!!  કેમ્પસ એટલે જાણે સ્વેરવિહાર!! સેમેસ્ટર પ્રમાણે અહીઓ જોડીઓ બદલાય જાય..!! પહેલાં સેમ માં શરુ થયેલા સંબંધો છઠ્ઠા સેમ માં આવતાં આવતાં બ્રેક અપ થઇ જાય!! જેટલી ઝડપે બ્રેક અપ થાય એટલી ઝડપે ટાઈ અપ પણ થાય..!! દિલ રોજ ઢગલા બંધ તૂટે, અને ઢગલા બંધ ઝડપે દિલ પાછું સંધાઈ પણ જાય..!! વિકૃતિને અહિ તરતજ સ્વીકૃતિ મળે અને  પ્રકૃતિ જાય ભાડમાં એવું વાતાવરણ એટલે આઈઆઈટી મુંબઈ!! અને કહેવાતા વિચારકો અને બૌદ્ધિકો આને એક નવા સમાજજીવનનું નામ આપે!! લાગણીને નામે એકબીજા સંબંધોને ઠોલી ખાય..!! એક બિન્દાસ વાતાવરણ આવી મોટી મોટી કોલેજોમાં કોમન ગણાય !!

સંજના અઠવાડિયામાં જ કંટાળી ગઈ પણ જળકમળવત રહીને તે આ બધાથી ટેવાઈ ગઈ. પોતે જે હોસ્ટેલમાં રહે ત્યાં શરૂઆતમાં થોડી તકલીફ થઇ પણ પછી એણે પોતાનામાં જ મસ્ત રહેવાનું નક્કી કરી નાંખ્યું. કલાસરૂમમાં એ ફટાફટ જવાબો આપે બે જ મહિનામાં એણે અલગ સ્થાન જમાવી દીધું.. કેમ્પસમાં લગભગ એ ક્યાય ના હોય બસ એ પોતાની હોસ્ટેલમાં એ વાંચતી હોય.. એની રૂમમાં એક ગુજરાતી છોકરી હતી તૃપ્તિ!! તૃપ્તિ નડિયાદની વતની હતી અને એકદમ દેખાવડી તો નહિ પણ જોવી ગમે ખરી!!  શરૂઆતમાં તૃપ્તિ ફ્રેન્ડશીપની ઓફર્સ લાવે પણ સંજના ઘસીને ના પાડી દે!! વળી સંજનાએ રૂમનું કામ બધું ફટાફટ કરી નાંખે..

રૂમ એકદમ ચોખ્ખો રાખે એટલે કામની આળસુ તૃપ્તિને શાંતિ થઇ ગઈ.!! બેય અલગ વિચારધારા પણ જોડી જામી ગઈ.. પછી તો રોઝ ડે આવે, ચોકલેટ ડે આવે સંજનાને ઈમ્પ્રેસ કરવા માટે છોકરાઓની લાઈન લાગે પણ સંજના કોઈને કોઠું ના આપે.. શિશિરની ઓળખાણ લાયબ્રેરીમાં થઇ હતી. પહેલી નજરે જ શિશિર સંજનાને સારો લાગ્યો. પંદરેક દિવસ પછી વાતચીત થવા લાગી એમાં આવ્યો વેલેન્ટાઈન ડે!! પહેલી વાર કેમ્પસમાં સંજનાને શિશિરે પ્રપોઝ કર્યું. અસલ ફિલ્મી અંદાજમાં!!! હાથમાં ગુલાબ અને સહેજ ઝૂકીને કહ્યું.

“બી માય વેલેન્ટાઈન “

“પછી શું કરવાનું વેલેન્ટાઈન બન્યા પછી ??” સંજના આવો પ્રશ્ન કરશે એવી અપેક્ષા તો શિશિરને હતી જ નહિ!!

“ બસ સાથે ફરીશું , એન્જોય કરીશું, બે વરસ મોજમાં ગાળીશું!!” શિશિરે થડકારા સાથે જવાબ આપ્યો.

“એની પછી શું ??“ સંજનાએ બાઉંસર ફેંકયો.

“ પછી યોગ્ય લાગે તો પરણી જઈશું “ શિશિરે જવાબ આપ્યો.

“અને ના યોગ્ય લાગે તો ? સંજના એ કહ્યું.

“ તો જુદા પડી જવાનું” શિશિર બોલ્યો. કડકડતી ઠંડીમાં પણ હવે શિશિરને પરસેવો વળતો હતો.

“એનાં કરતાં ભેગા જ ના થઈએ તો ના જીવી શકાય??” હવે આનો જવાબ નહોતો શિશિર પાસે. તૃપ્તિ હસી હસીને બેવડ વળી ગઈ!!!.શિશિર રવાના.!!! ગુલાબ ત્યાં જ પડ્યું રહ્યું..

અઠવાડિયા સુધી તો શિશિર એમની સામે જ ના મળ્યો..!! સંજના એ જોયું કે બધાં પાછાં એક બીજા સાથે ગોઠવાઈ ગયાં હતાં..!!કેમ્પસની કેન્ટીનમાં પણ લગભગ જોડીઓ બેઠેલી જ હોય.. પણ શિશિર તો મહિના સુધી એકલો જ દેખાયો!! ના કોઈ સાથે કેમ્પસમાં કે ના કોઈ પાર્ટીમાં જાય.. સંજનાને ખુબ દુઃખ થયું એને એક દિવસની સાંજે અનુભવ્યું કે આવું વર્તન નહોતું કરવું જોઈતું!! પણ થઇ ગયું છે તો હવે શું થાય ?? એક દિવસ સંજના  પવઈમાં આવેલી “D Mart” સંજના શોપિંગ કરવા ગઈ અને બીજા ફ્લોર પણ શિશિર મળી ગયો. અને સંજનાએ કહ્યું કે તારી સાથે વાત કરવી છે. અને બંને નીચે આવેલા રેસ્ટોરાંમાં બેઠાં અને સંજનાએ બધી વાત કરી કે એનાં પાપાને એ કેવું વચન આપ્યુ છે. શિશિર બોલ્યો

“મને ફક્ત પ્રેમ છે તારી પ્રત્યે..!! ફક્ત તને જોઇને જીવી જઈશ!!” આ વાત સંજના ને ગમી.પણ તોય એને દલીલ કરી.

“પણ એવા સંબંધનો શું મતલબ કે જેનું પરિણામ પહેલેથી જ ખબર હોય??”

“પણ દરેક સંબંધમાં મતલબ શું કામ લાવવો, એ જરૂરી તો નથી જ “ હવે શિશિર યોર્કર ફેંકતો હતો.

“પણ તોય અંતે તો દુઃખી થવાનું ને તો હાથે કરીને શા માટે દુઃખી થવાનું ??” સંજના મુંજવણમાં બોલી.

“પણ અત્યારે તો તારો આત્મા દુખ્યોને એટલે જ તો તે મારી સાથે વાત કરીને ,!! લાગણી એવી વસ્તુ છે કે એ એક વખત ઉગે પછી એને કોઈ ના પુગે” બને ની ભાષા હવે ઓરીજનલ ગુજરાતી થઇ ગઈ. બને ઉઠયા હસીને અને સાથે ચાલતા થયા.. અને પછી વાતચીતો વધવા લાગી.. એક અદ્ભુત પ્લેટોનિક લવ જન્મી ચુક્યો હતો બને વચ્ચે!! પણ એનું કોઈ જ દુઃખ નહોતું!! એક રીતે તમે આને “ઓર્ગેનિક લવ “ કહી શકો  કે જેની લગભગ કોઈ જ સાઈડ ઈફેક્ટ નહોતી!!! બને ની જિંદગી સરસ રીતે ચાલતી હતી. બસ કયારેક બને હાથ પકડીને ચાલતા હોય અથવા અડીને બેઠા હોય એકબીજાને!! આ પ્રેમમાં ફક્ત “લાગણી” જ હતી કોઈ જ “માંગણી” નહોતી!!

દિવસે બને સાથે ને સાથે જ હોય!! કેમ્પસમાં સહુથી વધુ આ ભાગ્યશાળી જોડી હતી!! જે ક્યારેય ઝગડતી નહિ!! એક બીજાના મોબાઈલ ક્યારેય ચેક નહોતી કરતી!! એક બીજા પર તેઓ ક્યારેય હક જમાવતા નહિ તેમ છતાં એક બીજાના દિલ પર એક મજબુત બંધન બંધાઈ ગયું હતું.. બનેના મોબાઈલ ફોનની બેટરી ચાર ચાર દિવસ સુધી ચાલતી હતી.. ઘર સિવાય આ બને ક્યાય કોલ કરતાં નહિ..!! કોઈના કોલ  આવતાં પણ  નહિ!! એક બે દિવસની રજા આવે ત્યારે સંજના અને શિશિર સાંજ સુધી ફરી લે પણ આઠ વાગ્યે તો એ પોતાની હોસ્ટેલ પર જ હોય!! હોસ્ટેલ પરની રેકટર શાન્તા બાઈ પણ કહેતી કે સંજના જેવી સંસ્કારી છોકરી મેં મારા જીવનમાં જોઈ નથી!!!!!

સંજના અને શિશિર મોટે ભાગે દિવસનો સમય સાથો સાથ જ ગાળે!! એક દિવસ તેઓ પવઈ ઉધાનમાં ફરતાં હતાં.. રજાનો દિવસ હતો. ઘણાં વિદ્યાર્થીઓ ત્યાં હતાં.. સહુ પોતપોતાનાં કામમાં વ્યસ્ત હતાં.. અચાનક જ શિશિરે પૂછ્યું.

“આ લોકો જે રીતે જીવન જીવી રહ્યા છે એ સાચું કે આપણે જે રીતે જીવી રહ્યા છીએ એ સાચું” પવઈ ઉધાનમાં ઘણાં પ્રેમી પંખીડા પ્રેમ ગોષ્ઠી મશગુલ હતાં.

“એ એમની રીતે સાચા હોઈ શકે, આપણે આપણી રીતે સાચા હોઈ શકીએ.. આ સંપૂર્ણ સમસ્યા છેને એ સાચા ખોટાની જીદને જ કારણે જ થાય છે. લોકો પોતાની જાતને ઉંચી અને મોડર્ન દેખાડવા માટે જ અનુકરણનો આશરો લે છે. એને ગમે એ કરે આપણને જે ગમે એ આપણે કરવાનું” સંજના બોલીને શિશિરની આંખોમાં જોયું. બને તે દિવસે ઘણું રખડ્યા!! આખું પવઈ લેકનું ચક્કર મારી લીધું .અલકમલકની વાતો થતી હતી. એક બીજાની વાતો સાંભળવામાં જ આખો દિવસ જતો રહ્યો.!! પછી તો એલીફન્ટાની ગુફાઓ જોઈ આવ્યાં!! જુહુ બીચની પાઉભાજી સાથે ખાઈ આવ્યાં..  સમય સતત અને સડસડાટ પસાર થતો હતો!! બે વરસ પુરા પણ થઇ ગયાં!! એક વગર કીધે પ્રેમનું આવરણ બનેના દિલ પર ઘર કરી ગયું હતું… અને આજે છેલ્લો દિવસ હતો!!! કાલે નક્કી થયાં મુજબ આજે શિશિર સંજનાના હાથમાં મહેંદી મુકવાનો હતો!!! સંજનાએ મહેંદીનો કોન કાઢ્યો!! શિશિરને આપીને તે તેની સામે જોઈ રહી!!

શિશિર હળવું હસ્યો.. કોન આગળની બાજુથી તોડીને સંજનાનો ડાબો હાથ હાથમાં લીધો અને મહેંદી મુકવાની શરૂઆત કરવાનો જ હતો. ત્યાંજ સંજના બોલી.

“એક મિનીટ શિશિર, ચાલ આપણે મળી લઈએ, મહેંદી મુક્યા પછી આને સુકાતા વાર લાગશે. અને પછી કાલે તો આપણે નથી મળવાના ને” એમ કહી ને સંજના શિશિરને ભેટી પડી!! બને ના અંતરમાં દુખની સાથે સાથ એક દિવ્ય આંનદ હતો.. બે વરસમાં છુટા પડતી વખતે તેઓ મળી રહ્યા હતાં અને એ પણ પ્રથમ વખત ભેટીને .. થોડી વાર રહીને સંજના અને શિશિર છુટા પડ્યા અને શિશિરે મહેંદી મુકવાનું શરુ કર્યું…!!

મહેંદીની એક એક ડિઝાઈન સાથે એને સતત બે વરસની ઘટનાઓ યાદ આવતી હતી.. સંજનાને સથવારે તેણે ઘણી બધી બાબતોમાં ઘણું બધું શીખ્યો હતો. મિત્રતાની ઉપર પણ એક સંબંધ હોય છે અને એ સંબંધ કે જેના સહારે હવે એ ગમે એવા પડકારો પણ ઝીલી લેવા મક્કમ થઇ ગયો હતો. એનાં માટે આ નાનીસુની બાબત તો નથી જ!! દિલ રેડીને એણે મહેંદી મૂકી અને મનોમન એક પ્રાર્થના પણ કરતો ગયો કે એની સંજનાને ભગવાન સદા સુખી રાખે અને એટલું સુખ આપે કે મારી યાદ પણ ના આવે!!!!

સંજના મહેંદી મુકતા શિશિર ના ચહેરાને જોઈ રહી હતી.. કેટલો અલગ લાગતો હતો આ શિશિર કોઈ ભાગ્યશાળી યુવતીને જ જીવનસાથી તરીકે મળશે આ શિશિર..!! બે વરસનાં સમયગાળા દરમ્યાન ક્યારેય એણે સંજનાની ઈચ્છા વિરુદ્ધ કોઈ પગલું નથી ભર્યું કે નથી એને સહેજ પણ દુઃખી કરી. દરેક ચોખવટ કરી દીધાં પછી પણ તે પોતાની સાથે ટકી રહ્યો.. સંજના ખાતર તે ઘણી છોકરીઓ ની મિત્રતા ઠુકરાવી દીધી હતી.. પોતાને તો પાપાની સામે લીધેલ વચન નડતું હતું!! પણ શિશિર ને તો ક્યાં કોઈ બંધન હતું..?? તેમ છતાં પોતાને ખાતર એણે પોતાના અરમાનોનો ભોગ આપ્યોને..!! શું આજ પ્રેમ કહેવાતો હશે!! મહેંદી મુકાઇ ગઈ.. એકદમ ઝીણી અને અલગ જ ડિઝાઈન ઉપસી હતી આ વખતે મહેંદીમાં!! ડાબા હાથ પરની મહેંદીને જોઈને સંજનાના જમણા હાથને  ઈર્ષા આવતી હોય એમ લાગ્યું.!!

“એક છેલ્લી ઈચ્છા છે મારી” શિશિર બોલ્યો.

“બોલ તારી એ ઈચ્છા હું પૂરી કરી શકાય એમ હશે તો પૂરી કરીશ” સંજના બોલી.

“ તારા આ મહેંદી વાળા હાથનો એક ફોટો લેવો છે!!,જીવનભર હું આ ફોટો જોતો રઈશ!!, બસ આજ ઈચ્છા” સંજના ને શિશિરે કહ્યું અને એણે ડાબા હાથનો ફોટો લીધો..

એક કાગળમાં નાસ્તો ભેગો કર્યો.. અને એક બિસ્કીટ ઉઠાવીને એણે સંજનાના મોમાં મુકયુ. છેલ્લાં છ માસથી સાથે નાસ્તો કરતી વખતે અથવા તો જમતી વખતે શિશિર હમેશાં પ્રથમ કોળીયો સંજનાને ખવરાવતો અને પછી બને જણા પોતાની રીતે ખાઈ લેતા. નાસ્તો પૂરો થયો. વધ્યો એ નાસ્તો સાથે લીધો એક પાણીની બોટલમાંથી પાણી પૂરું કરીને વધેલી બોટલ સાથે લઈને હાથમાં હાથ પરોવીને તેઓ ચાલતા થયા!! આજ તેઓ રામબાગ પવઈ તરફ ઘૂમી વળ્યાં!! આજે પહેલી વાર સંજનાને શિશિર હોસ્ટેલ સુધી છોડવા ગયો… ઘડીક ઉભા રહ્યા દરવાજા પાસે છેલ્લી વાર બને એ એકબીજાને “લવ  યુ” કીધું અને એકબીજાને શુભેચ્છા પાઠવી!! અને સજળ નયને છુટા પડ્યા!!!

એજ રાતે શિશિરે મુંબઈ છોડી દીધું!!! બાંદ્રા જયપુર ગાડીમાં એ વડોદરા જવા રવાના થયો. ગાડીમાં બેસીને તેણે સંજનાનો નો કોન્ટેક મોબાઈલમાંથી કાઢી નાંખ્યો. ફક્ત પેલો મહેંદી વાળો હાથ નો જ ફોટો રાખ્યો. બાકીના બધાજ ફોટા એણે રીમુવ કરી નાંખ્યા. સવારે આઠ વાગ્યે એ બરોડા પહોંચ્યો.. આખી રાત એ ડબ્બામાં જાગતો રહ્યો !!! સંભારણા વાગોળતો રહ્યો!!!

સંજનાની ગાડી બીજા દિવસની સાંજની હતી. સવારે ગોવિંદભાઈ એમને લેવા ગયાં હતાં. સંજનાએ પાપાને એની કોલેજ બતાવી. શાંતા બાઈ સાથે ઓળખાણ કરાવી. શાંતાબાઈ એ સંજનાના ખુબ જ વખાણ કર્યા. અને સાંજે સંજના પાપા સાથે રવાના થઈ..!! આવી ત્યારે કશું નહોતું.. અને જયારે જઈ રહી છે ત્યારે જીવનનાં સહુથી શ્રેષ્ઠ એવા બે વરસનો શિશિરનો સ્નેહ સાથે લઈને જઈ રહી હતી..!!

અને આમેય માણસ શું ગુમાવ્યું કરતાં અત્યાર સુધીમાં શું મેળવ્યું એની જ યાદી કરેને  તો દરેકની જિંદગી એક વસંત  બની જાય!!!

રાજકોટમાં સંજના બે દિવસ બધી બહેનપણીઓને મળી.. આજી ડેમની મુલાકાત લીધી.. દરેક સમયે શિશિર એની સાથેજ છે એવો એને અહેસાસ થયો. સંજના અંદરથી ખુબ જ ખુશ હતી..

બે દિવસ પછી ગોવિંદભાઈ એ કહ્યું.

“અમદાવાદ મારા એક મિત્ર છે એમને મેં વાત કરી છે એનાં ધ્યાનમાં એક યુવાન છે. કાલે આપણે અમદાવાદ એ યુવાનને જોવા જઈએ છીએ. મેં બે વાર એ યુવાનને આડકતરી રીતે જોયો છે મને તો છોકરો સારો લાગ્યો છે પણ તને પસંદ પડે તો હવે તારા હાથ પીળાં કરી દેવા છે.”

“ઓકે પાપા કાલે આપણે જઈશું” હિચકિચાટ વિના સંજના એ કહ્યું અને પાછા બાપ દીકરી બીજી વાતોમાં વળગી ગયાં.. બીજે દિવસે સવારે તેઓ વહેલાસર અમદાવાદ જવા નીકળી ગયાં.. બપોર સુધીમાં તો તેઓ બાપુનગર પહોંચી ગયાં.. બાપ દીકરીનું ઉષ્માભેર સ્વાગત કર્યું.. સંજના પહેલી જ વાર અહિયાં આવી હતી.

“એ લોકો કલાક સુધીમાં આવી જશે “ પાપાના મિત્ર બોલ્યાં. સંજના ઘરના સભ્યો સાથે અંદરના રૂમમાં ગઈ.થોડી વાર પછી એ લોકો આવી ગયાં . ગોવિંદભાઈ બધાને મળ્યાં. અને પછી અંદરથી સંજનાએ ને કહેવામાં આવ્યું કે તું ચા લઈને જા મહેમાનોને અને મુરતિયાને પણ જોઈ લે પછી તમે લોકો વાત પણ કરી લેજો. સંજના ચા  લઈને આવી. મુરતિયો જોયો અને એની આંખો આશ્રયથી પહોળી થઇ ગઈ.. હાથ ધ્રુજ્યો અને ગોવિંદભાઈ તરત જ ઉભા થયાં નહીતર સંજના ના હાથમાંથી ચાની ટ્રે પડી જાત ગોવીદભાઈ બોલ્યાં.

“ આવ બેટી હું તને મારી પસંદની ઓળખ કરાવું.. આ છે  વિશાલભાઈ પટેલ આ તેમનાં પત્ની હંસાબેન અને આ તેમનો પુત્ર શિશિર પટેલ!!!” સંજના હજુ સુધી માની જ શક્તિ નથી કે આ સત્ય છે કે ભ્રમ!! અને ગોવિંદભાઈ બોલ્યાં..

“બેટા હવે હું રહસ્ય ખોલું જ છું. તું મુંબઈ ગયાં પછી મેં મારી રીતે તારી પાછળ તપાસ કરાવી. ખાનગી રીતે તારા હોસ્ટેલના રેકટર શાંતા બાઈ મને બધી જ માહિતી પૂરી પાડતા. અને એણે મને શિશિર બાબતે પણ વાત કરી. હું મુંબઈ આવીને શિશિરને બે વખત જોઈ ગયો એને ખબર પણ ના પડે એમ જ !! કારણ કે તું શાન્તાબાઈને બધીજ વાત કરતી હતીને..મને છોકરો યોગ્ય લાગ્યો. વડોદરા એમનું બેક ગ્રાઉન્ડ જાણ્યું અને હજુ બે મહિના પહેલાં જ હું વિશાલભાઈ અને હંસાબેનને મળ્યો. એમને બધી વાત સમજાવી એ રાજી થયાં પણ મેં તેમને વચનમાં લીધા કે મારે મારી છોકરી શું કરે એ મારે  જોવું છે.. એ મારા પર ગઈ છે કે એની મમ્મી પર એ ચેક કરવું છે. તમે લોકોએ કદાચ જાતે લગ્ન કરી લીધા હોત ને તોય અમને તો વાંધો હતો જ નહિ.

અમે તો તમારી વિગતો જાણીને આનદ પામતા  હતાં. પણ મને ગર્વ છે બેટા કે તે તારા અરમાનોની કુરબાની આપવાંની તૈયારી બતાવી પણ મને આપેલ વચનને તું વળગી રહી.. અને આ શિશિર તો બેટા તારી કરતાં સવાયો નીકળ્યો. એનાં પાપા એ કાલે રાતે જ એને ઘણું બધું પૂછ્યું કે કોઈ સારી છોકરી હોય તને ગમતી હોય તો શરમાતો નહિ આપણે એનાં મમ્મી પાપા પાસે જઈએ.. તારી કોઈ પસંદ હોય તો કઈ દેજે પણ એ કશું જ ના બોલ્યો પછી મોડેથી અમે બેય વેવાઈ ઓ એ વાત કરી અને કીધું કે હવે મોડું નથી કરવું.. એટલે સગપણ નક્કી કરવા જ આપણે આવ્યાં છીએ ને.. તારી જેમ આ શિશિરને પણ છેક સુધી ખબર જ નહોતી કે કઈ છોકરીને જોવા જવાનું છે.. ખરેખર તમારો બેયનો સ્નેહ અદ્ભુત છે અને આવો પ્રેમ હોય એક બીજાને તો જ પ્રેમ લગ્ન કરાય બાકી મારી જેવી ભૂલ બીજાએ ના કરાય!!! મને તમારા બને પર ગર્વ છે કે તમે તમારી મર્યાદાને ઓળંગી નથી…

બધાનાં ચહેરા ખીલી ઉઠ્યા.. શિશિર અને સંજના બધાને મળ્યાં પગે લાગ્યાં.. હરખના આંસુ હતાં.. જીવનમાં ક્યારેય ના થઇ હોય એટલી ખુશી થઇ સંજના અને શિશિરને .. બધાં ત્યાં રોકાયા… સાંજે સંજના અને શિશિર કાંકરિયા ફરવા ગયાં..કાંકરિયાના એક વિશાળ બાંકડા પર બને એકબીજાને સહારે બેઠા હતાં! અચાનક જ શિશિર કહ્યું “હું દસ મીનીટમાં આવું “ અને એ જતો રહ્યો દસ મિનીટ પછી શિશિર આવ્યો. એનાં હાથમાં મહેંદીનો કોન  હતો..

“ તે કહ્યું હતુંને કે જે છોકરી સાથે તારું સગપણ થાય એનાં જમણા હાથે મહેંદી મૂકજે, લાવ તારો જમણો હાથ “ સંજના એને વળગી પડી.. અને એ સાંજે શિશિરે સંજનાને કાંકરિયાની પાળે મહેંદી મૂકી.. જમણા હાથે મહેંદી મૂકી.. ડાબા હાથ પર ની મહેંદી પણ હતી.. સંજનાના બને હાથો મહેન્દીથી શોભતા હતાં.. મોડી રાત સુધી તેઓ બેઠા રહ્યા.. એફ એમ પર “મહેંદી રંગ લાગ્યો” એ ગીત વાગી રહ્યું છે. આજ તેઓ પહેલી વાર રાતના આઠ પછી મળ્યા હતાં.. દુનિયાના ભાગ્યશાળી યુવક અને યુવતી હતાં !!!સંજનાના બને હાથમાં મહેંદી એક પવિત્ર પ્રેમની જેમ શોભી રહી હતી!!!! આખું કાંકરિયાનું વાતાવરણ અહોભાવથી આ જોડાને નીરખી રહ્યું હતું અને આશીર્વાદ આપી રહ્યું હોય એમ લાગતું હતું.!!